ગામડાની ભોળી કણબણ ધડધડ બોલે છે ત્યારે નથી તેને ચીપી ચીપીને બોલવું પડતું, નથી તેને શબ્દો શોધવા જવું પડતું કે નથી તેને અચકાવું પડતું કે ડોળ કરવો પડતો. એ તો જાણે કોઈ સીધાસાદા સ્થલપ્રદેશ પર એકાદ સરલ સરિતા સરી પડતી હોય એમ આપણને લાગે છે. આટલો જ તફાવત શિષ્ટ ભાષાવાળી વાર્તામાં અને લોકભાષા ભરેલી વાર્તામાં પડે છે. અહીં એક સાદી ભાષાવાળી વાર્તાનો નમૂનો બસ થશે.
દલાતરવાડીની વાર્તા[૧]
એક હતો તરવાડી. એનું નામ હતું દલો. દલા તરવાડીની વહુને રીંગણાં બહુ ભાવે. એક દિવસ દલા તરવાડીની વહુએ દલા તરવાડીને કહ્યું : “તરવાડી રે તરવાડી !”
તરવાડી કહે : “શું કહો છો, ભટ્ટાણી ?”
ભટ્ટાણી કહે. “રીંગણાં ખાવાનું મન થયું છે. રીંગણાં લાવોને રીંગણાં !”
તરવાડી કહે : “ઠીક.”
તરવાડી તો પછી હાથમાં ખોખરી લાકડી લઈ ઠચુકઠચુક કરતા ચાલ્યા. નદીકાંઠે એક વાડી હતી ત્યાં ગયા, પણ વાડીએ કોઈ ન હતું. તરવાડીએ વિચાર કર્યો : “હવે કરવું શું ? વાડીનો ધણી અહીં નથી અને રીંગણા કોની પાસેથી લેવાં ?”
છેવટે તરવાડીએ ઠરાવ્યું : “વાડીનો ધણી નથી તો વાડી તો છેને ! ચાલો વાડીને પૂછીએ.”
દલો કહે : “વાડી રે બાઈ, વાડી !”
વાડી ન બોલી એટલે પોતે જ કહ્યું : “શું કહો છો, દલા તરવાડી ?”
- ↑ *બાળવાર્તા ભાગ ત્રીજો. પ્રકાશક:- શ્રી દક્ષિણામૂર્તિ પ્રકાશન મંદિર, ભાવનગર.