લખાણ પર જાઓ

પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૦
વાર્તાનું શાસ્ત્ર-૧
 

દલો કહે : “રીંગણાં લઉ બેચાર ?”

ફરી વાડી ન બોલી એટલે વાડીને બદલે દલો કહે : “લેને ભાઈ, દસબાર.”

દલા તરવાડીએ તો રીંગણાં લીધાં અને ઘેર જઈ તરવાડી તથા ભટ્ટાણીએ ઓળો કરીને ખાધો.

ભટ્ટાણીને રીંગણાંનો લાગ્યો સ્વાદ, એટલે તરવાડી રોજ વાડીએ આવે અને ચોરી કરે.

વાડીમાં રીંગણાં ઓછાં થવા લાગ્યાં. વાડીના ધણીએ વિચાર કર્યો કે જરૂર કોઈ ચોર હોવો જોઈએ; તેને પકડવો જોઈએ.

એક દિવસ સાંજે વાડીનો ધણી એક ઝાડ પાછળ સંતાઈને ઊભો. થોડી વારમાં દલા તરવાડી આવ્યા અને બોલ્યા : “વાડી રે બાઈ, વાડી !”

વાડીને બદલે દલો કહે : “શું કહો છો, દલા તરવાડી ?”

દલો કહે : “રીંગણાં લઉ બેચાર ?”

વાડીને બદલે વળી દલો કહે : “લેને દસબાર.”

દલા તરવાડીએ તો ફાંટ બાંધીને રીંગણાં લીધાં અને જ્યાં ચાલવા જાય છે ત્યાં વાડીનો ધણી ઝાડ પાછળથી નીકળ્યો અને કહે : “ઊભા રહો, ડોસા ! રીંગણાં કોને પૂછીને લીધાં ?”

દલો કહે : “કોને પૂછીને કેમ ? વાડીને પૂછીને લીધાં !”

ધણી કહે : “પણ વાડી કાંઈ બોલે છે ?”

દલો કહે : “વાડી નથી બોલતી પણ હું બોલ્યું છું ના ?”

માલિક ઘણો ગુસ્સે થયો ને દલા તરવાડીને બાવડે ઝાલી એક કૂવા પાસે લઈ ગયો. દલા તરવાડીને કેડે એક દોરડું બાંધી તેને કૂવામાં ઊતાર્યો. પછી માલિક જેનું નામ વશરામ ભૂવો હતું તે બોલ્યો : “કૂવા રે ભાઈ, કૂવા !”