પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૩
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૦૩
 

વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી? તે વાર્તામાં વસ્તુસંકલના હોવાનો સંભવ હોવાપણું નથી એમ મારું માનવું છે. વાર્તાનો મુખ્ય ઉદ્દેશ લક્ષમાં રાખીને જ તેને પાર પાડવા માટે વાર્તામાં જે સફળ ગૂંથણી કરવામાં આવે છે તે ગૂંથણીને વસ્તુસંકલના એવું નામ આપી શકાય. રચનાની દૃષ્ટિએ તે વાર્તા સંપુર્ણ છે કે જેમાં સપ્રમાણતા છે, જેમાં સમતોલપણું છે ને જેમાં એકતાનતાનું સળંગ સૂત્ર વ્યાપક છે. જે જે વાર્તાઓમાં રચનાના આ દોષો હોય તે તે વાર્તાઓને આ દોષોમાંથી મુક્ત કરવી જ જોઈએ. આપણે ઘણી વાર એવી વાર્તાઓ વાંચીએ છીએ અથવા સાંભળીએ છીએ કે જેમાં વારે વારે વાર્તાના ફાંટાઓ ફાટે છે અથવા એક તાગડામાંથી ચારપાંચ તાગડાઓ ઊડે છે. વારે વારે વાર્તા કહેનાર આપણને એક ડાળી ઉપરથી બીજી ડાળી ઉપર કુશળતાથી લઈ જવાનો કે ઊડેલા તંતુઓ સાથે મૂળ સૂત્રને જોડી દેવાનો પ્રયત્ન કરે છે. અને આપણી સ્મરણશક્તિ અને ધીરજની પૂરેપૂરી કસોટી કરે છે. આવાં ડાળાં - ડાળીવાળી વાર્તાઓને કહેવા યોગ્ય વાર્તાઓમાં આપણે સ્વીકારી શકીએ નહિ. એક તો કહેવા યોગ્ય વાર્તાને એક જ લક્ષ તાકવાનું છે અને તેની સફળતા પણ બરાબર એ લક્ષને વીંધી નાખવામાં છે; એટલે કહેવા યોગ્ય વાર્તાનો પ્રવાહ આડોઅવળો ન વહેતાં સીધેસીધો વહેવો જોઈએ. વિષયાન્તરોથી, એક વાર્તામાં બીજી વાર્તા ચલાવવાથી, વાર્તાની મુખ્ય મુખ્ય બાબતોની સાથે જોડાયેલી ગૌણ બાબતોની વધારે કાળજી કરવાથી મૂળ રસને હાનિ પહોંચે છે એમાં શંકા નથી. આથી કહેવા યોગ્ય વાર્તાની રચના અને વાંચવા યોગ્ય વાર્તાની રચનામાં આટલો તફાવત સ્વીકારવો જોઈએ. બેશક, સાંભળનારની સ્મરણશક્તિ અને ધારણશક્તિ વધતાં જાય તેમ તેમ વાર્તા વધારે ફાલેલીફૂલેલી કહેવામાં આવે તો હરકત નહિ. ૧૦૩