વસ્તુસંકલનાના વિચારમાં વાર્તા કેટલી લાંબી કે કેટલી ટુંકી હોવી જોઈએ તેનો વિચાર આવી જાય છે. વાર્તાને કહેવા યોગ્ય કરતી વખતે આપણે સાંભળનારનો વિચાર કરવો જ પડે. એકની એક વાર્તા તેની વસ્તુની સુંદરતાને કારણે આપણે છેક નાનાં બાળકોથી માંડી વૃદ્ધ જનો સુધીની વ્યક્તિઓને કહી શકીએ; પણ વૃદ્ધ જનો પાસે વાર્તાનો જેટલો વિસ્તાર ધરી શકીએ તેટલો વિસ્તાર બાળકો પાસે ન જ ધરી શકીએ. બાળકોની ગ્રહણશક્તિને ધ્યાનમાં લઈને જેમ બીજી બાબતોના વિસ્તાર સંકોચનો નિર્ણય કરીએ છીએ તેમ જ વાર્તાની બાબતમાં પણ કરવું જોઈએ. રામાયણ અને મહાભારતની વાર્તાઓ બાળકોને કહેવી હોય તો આપણે એમને છેક ટુંકાવીને કહેવી જોઈએ. એ સાગર જેટલી ગંભીર અને આકાશ જેટલી વિશાળ વાર્તાઓમાં વચ્ચે વચ્ચે આવતી અનેક રસભરી કથાઓને છોડી દેવી જોઈએ, અને મોહક અને આકર્ષક ચિત્રો તથા વર્ણનોને જતાં કરવાં જોઈએ. રામાયણમાં રામને બાળકો સામે સતત ધરી રાખીને વાર્તાનો પ્રવાહ ચલાવ્યે જવો જોઈએ, આદિ, મધ્ય અને અંતમાં સર્વત્ર રામ દેખાવા જોઈએ; કથાની બધી ગૂંથણી રામની આસપાસ થવી જોઈએ. એવી જ રીતે મહાભારતની કથામાં પાંડવો અને કૌરવોના કિનારા ઉપર જ ચાલી ચાલીને એ મહાનદની પ્રદક્ષિણા કરવી જોઈએ. એની આજુબાજુએ આવતાં તીર્થસ્થાનો છોડી દેવાં જોઈએ. લઘુરામાયણ અને લઘુમહાભારત આ વિચારને અનુસરીને લખાયેલાં છે. બાલકાદમ્બરીની યોજનાની પાછળ પણ આ જ વિચાર છે. છેક નાનાં બાળકોને કહેવા યોગ્ય રામાયણ પણ બનાવી શકાય. એવી ટૂંકાવેલી રામકથાનો એક સાદો નમૂનો અહીં આપું છું, આ નાની કથા પણ બાળકોના પ્રમાણમાં એક મોટું રામાયણ જ છે, અને તે એટલું જ રસદાયક નીવડ્યું છે.