લખાણ પર જાઓ

પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?
૧૦૫
 


રામાયણ

દશરથ નામે રાજા હતા.

તેને ત્રણ રાણીઓ હતી.

એકનું નામ કૌશલ્યા, બીજીનું નામ સુમિત્રા, ને ત્રીજીનું નામ કૈકેયી.

રામ કૌશલ્યાના પુત્ર, લક્ષ્મણ ને શત્રુઘ્ન સુમિત્રાના ને ભરત કૈકેયીના.

રામ સૌથી મોટા હતા; તેમનાથી નાના લક્ષ્મણ, તેનાથી નાના ભરત ને સૌથી નાના શત્રુઘ્ન.

રામને ઘણી વિદ્યા આવડતી. તેમને તીર ફેંકતા સારું આવડતું. તે ભલા પણ હતા. તે રોજ માબાપનું કહ્યું કરતા.

રામની રાણીનું નામ સીતા હતું.

રાજા ઘરડા થયા. તેમણે રામને ગાદીએ બેસાડવાનો વિચાર કર્યો.

કૈકેયીને આ વાતની ખબર પડી. તેને રામની અદેખાઈ આવી. તે કહે : “રામ ગાદીએ બેસે ને મારો ભરત નહિ ?”

રાણી રાજાથી રીસાઈ; રાજાએ તેને ખૂબ મનાવી, પણ તે રીઝી નહિ.

રાણી કહે : “તમે મને બે વચન આપ્યાં છે. આજે હું એ વચન માગું છું. રામને વનવાસ મોકલો ને ભરતને ગાદી આપો.”

રાજાને આ ગમ્યું નહિ.

પણ વચન આપેલું એટલે શું કરે ?

રામ વનવાસ ગયા. સીતાદેવી તેની સાથે ગયાં.

ભાઈ લક્ષ્મણ પણ સાથે જ ગયા.

રામ, લક્ષ્મણ ને જાનકી વનમાં ઝૂંપડી બાંધીને રહ્યાં.