લખાણ પર જાઓ

પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?
૧૧૧
 

ઝાંપો વાસીને ડોશીમા સૂતાં હતાં.

તેવામાં કોઈએ સાદ પાડ્યો : “ટાઢે ઠરી જાઉં છું, માબાપ ! ઘરમાં રહેવા દેશો ?”

ડોશીને દયા આવી.

“આવ, દીકરા ! અહીં સૂઈ રહે.”

“ડોશીમા ! ભગવાન તમારું ભલું કરજો.”

દયાળુ ડોશી
(ટૂંકીમાંથી લાંબી બનાવેલી વાર્તાનો નમૂનો)

એક હતી ડોશી.

એ બહુ દયાળુ હતી.

ડોશી તરસ્યાંને પાણી પાય, ભૂખ્યાંને રોટલો આપે ને ભૂલાં પડેલને મારગ બતાવે.

આડોશીપાડોશી કોઈ માંદુ પડે તો ડોશીમાનો જીવ એવો કે રાત ને દી એના ખાટલા આગળથી ખસે જ નહિ.

ડોશી એવાં ભલાં કે મરતાંને પણ મર ન કહે.

કોઈ રાંકભીક જે આવ્યું તે એને ઘેરથી પાછું તો જાય જ નહિ.

ગજાસંપત જે હોય તે ડોશીમા એને આપે ને એની આંતરડી ઠારે.

ભર ચોમાસું ચાલ્યું જતું હતું.

અરધી રાતે એકવાર વરસાદ તૂટી પડ્યો. નેવામાં પાણી તો ક્યાંઈ માય નહિ.

વીજળી તો સબાક સબાક થાય, ને કડાકા તો એવા કે આકાશ જાણે હમણાં જ તૂટી પડશે.