લખાણ પર જાઓ

પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૪
વાર્તાનું શાસ્ત્ર-૧
 

વસ્તુનો થોડોએક વિચાર આવશ્યક છે. કહેવા યોગ્ય વાર્તા બનાવવા માટે જેમ આપણે વાર્તાની ભાષામાં અને રચનમાં ફેર કરીએ છીએ, તેમજ આપણે વાર્તાના વસ્તુમાં ફેરફાર કરી લેવાનો છે. વાર્તાની વસ્તુ શ્રેણીને માટે યોગ્ય હોય છતાં તેમાં ગૂંથેલો આદર્શ ઘણી વાર અવ્યવહાર્ય અથવા અનિષ્ટ હોય છે. એક જમાનાએ પોતાની વાર્તાઓમાં જે આદર્શ સ્વીકાર્યો હોય તે જ આદર્શ બીજા જમાનાએ સ્વીકારવો એવી આપણી હઠ ન હોવી જોઈએ. એક જમાનાએ એમ માન્યું કે શિક્ષા અને ભય વિના નીતિ શક્ય નથી તેથી તે જમાનાએ પોતાની વાતોમાં સ્વર્ગ અને નર્કની કલ્પનાઓ કરી, ને સારા માણસને સ્વર્ગ આપ્યું અને નઠારા માણસને નર્ક આપ્યું. જે જમાનાએ મનના ધર્મની ખોટી કલ્પના કરી શિક્ષણની ચાવી ઈનામમાં મૂકી તે જમાનાએ પોતાની વાતોમાં ઈનામને યાને બદલાને મહત્ત્વ આપ્યું. જે જમાનાએ પોતાની મિલ્કતમાં વધારો કરવો અને બીજાની મિલ્કતની ઉચાપત કરી જવી એમાં બહાદુરી માની તે જમાનાએ લૂંટારાની બહાદુરીની કથાઓ પ્રેમથી કરી. જે જમાનામાં પતિ પાછળ બળી મરવું એ જ સ્ત્રીનો પરમ ધર્મ ગણાતો હતો તે જમાનાએ સતીઓના મહિમાની મોટી મોટી કથાઓ રચી. જે જમાનાએ ભોગવિલાસ આદર્શ માન્યો હતો તે જમાનાએ પોતાની વાતોમાં શૃંગારને સ્થળે સ્થળે ભર્યો હતો. જો આપણને શંકરાચાર્યના જમાનાની વાર્તાઓ મળે તો તેમાં એકેશ્વરવાદ અને મિથ્યાવાદની મહત્તા નજરે પડે. બુદ્ધનાં જાતકોમાં અહિંસાવાદ વધારે નજરે પડે છે. શ્રીકૃષ્ણના જમાનાની વાતો પ્રેમકથાઓનો ભંડાર છે. ક્રાઈસ્ટના જમાનાની વાતોમાં પ્રેમ ને ક્ષમા સ્થળે સ્થળે દેખાય છે. સહજાનંદ સ્વામીન્નાં ‘વચનામૃતો’માં આચાર ઉપર વધારે ભાર મૂકેલો છે.