છોકરો તો હાશ કરીને હેઠે બેઠો.
માજીએ તો એને એકાદ જૂનું પાનું ફાળિયું આપ્યું ને એનાં લૂગડાં બદલાવ્યાં.
પછી તો એણે ઝટઝટ દેવતા પાડ્યો ને ચીંદરડીએ થોડાંક તીખાં ને સૂંઠ બાંધ્યાં હતાં તે કાઢીને રૂપાળો ગરમાગરમ કાવો બનાવ્યો.
ચલાણું આખું કાવો ભરીને ડોશી છોકરાને કહે : “લે, બાપા, આ ઊનો ઊનો કાવો પી જા. હમણાં તારી ટાઢ ઊડી જશે.”
છોકરાને કાવો એવો તો મીઠો લાગ્યો કે બસ !
પછી ડોશી કહે : “લે બેટા ! આ મારી ગોદડી ઓઢીને ખાટલામાં સૂઈ જા. હું તો રીઢું માણસ છું એટલે મારે તો આ પછેડીએ ચાલશે.”
છોકરો તો રાત આખી હૂંફાળી ગોદડીમાં ઊંઘ્યો.
સવાર પડી એટલે છોકરે ડોશીની રજા માગી.
ડોશી કહે : “દીકરા ! સાચવીને જજે ને દેહનાં જતન કરજે.”
છોકરાની આંખમાં આંસું આવી ગયાં.
ડોશીની આંખ પણ ભીની થઈ.
છોકરો મનમાં ને મનમાં બોલતો ગયો : “હે ભગવાન ! આ ડોશીમાનું ભલું કરજો.”
વસ્તુસંકલના વિષે આટલું કહ્યા પછી વસ્તુ સંબંધે થોડુંએક કહીએ. ‘વાર્તાની પસંદગી’ અને ‘વાર્તાનો ક્રમ’ એ પ્રકરણોમાં આડકતરી રીતે વાર્તાનું વસ્તુ કેવું હોવું જોઈએ તે સંબંધે થોડુંઘણું તો કહેવાઈ ગયું છે; છતાં વાર્તાને કહેવા યોગ્ય બનાવવા માટે