આઠ કાઠની પૂતળી, બાંધ્યા નવસેં દોર,
રાજા ચાલ્યા ચાકરી, (તો) રાણી ખેલાવે મોર.
આ સમશયાનો અર્થ રેંટિયો થાય છે, કેમકે તેને લાકડાનાં આઠ પાટીઆં હોય છે, તે પાટીઆંને દોરી વડે બાંધેલાં હોય છે. રાજા ચાકરીએ ગયા, ત્યારે રાણીએ એ મોર-રેંટીઓ ચલાવવા માંડ્યો. પહેલાં રાજાની રાણીઓથી માંડીને સર્વ સ્થિતિની બાઈડીઓ રેંટીઓ કાંતતી; તેમાં કોઈ નાનમ સમજતું નહિ. જેને કાંતતાં ન આવડે તેની નિંદા થતી હતી. ગરીબ લોકોને તે ગુજરાનનું સાધન હતું, ને ધનવાનને નવરા બેસી રહેવાને બદલે એક જાતનો ધંધો કરવાનું તેથી મળતું.
વળી એક બીજી સમશ્યા ચાલે છે :–
ભમે ભમે પણ ભમરો નહિ,
કોટે જનોઈ પણ બ્રાહ્મણ નહિ.
આનો અર્થ પણ રેંટિયો થાય છે, કેમકે તે ફર્યા કરે છે છતાં ભમરો નથી, તેમ કોટે જનોઈ (માળા) છતાં તે બ્રાહ્મણ પણ નથી.
મીઆભાઈ ચાકરી કરવા પરદેશ જવા નીકળતા હોય, તો તેને બુ કહેશે, કે “મેરા બના ગામ ના જઈઓ, ગામ ના જઈઓ; મેં ચરખા પૂણી કાંત ખિલાઉંગી.” પરદેશ જવાથી બંને જુદાં પડે તેના કરતાં રેંટીઓ કાંતીને ગુજરો કરે અને ભેગાં રહે તે વધારે સારૂં.
- ↑ *ટચુકડી બીજી સો વાતો. લેખક:– હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા