કમળા એની સામે જોયા જ કરે, ને એનું મીઠું મીઠું ગીત સાંભળ્યા જ કરે. સાંભળવામાં કમળા ખાવું ય ભૂલી જાય ને પીવું ય ભૂલી જાય. પણ પછી ઊંઘ આવે એટલે આંખોનાં પોપચાં બિડાય ને કમળાને જઈને પથારીમાં પડવું પડે.
કમળા રોજ બુલબુલનું ગીત સાંભળે ને લાંબા લાંબા ને ઊના ઊના નિસાસા મૂકે. મનમાં ને મનમાં કહે : “હે ભગવાન! તેં મને બુલબુલ જેવું સુંદર ગીત ગાતાં કેમ ન શીખવ્યું ? હે ભગવાન ! તેં મને બુલબુલનાં પીંછાં જેવાં સુંદર પીંછાં આપ્યાં હોત તો કેવું સારું થાત ? હે પ્રભુ ! મને પાંખો આપી હોત તો કેવી મજા આવત ? હું તો દિવસ ને રાત ઊડ્યા જ કરત. ઝાડ ઉપર બેસવા પણ ઊતરત નહિ.”
પૂનમની રાત હતી. ચાંદનીનું ગીત ગાતું ગાતું બુલબુલ આવ્યું ને કમળાની પાસે જ બેઠું. એનું ગીત એવું તો મીઠું હતું કે બસ !
પણ કમળાનું હૈયું તો બળવા લાગ્યું. એણે એક લાંબો નિસાસો મૂક્યો; બુલબુલે તે સાંભળ્યો. બુલબુલ વિચારમાં પડી ગયું; એનું ગીત બંધ પડી ગયું. ધીમેથી એણે કમળાને પૂછ્યું: “બેન ! આમ નિસાસા કેમ નાખે છે ? આજ આમ બેચેન કેમ છે, બાપુ !”
કમળા કહે : “બાપુ ! મારું દુઃખ કહ્યું જાય તેમ નથી. મારું દુઃખ કાંઈ જેવું તેવું નથી. મારા જેવું દુઃખ કોઈને નહિ હોય.”
બુલબુલ કહે : “બાપુ ! એવું તે કેવું દુઃખ છે ? એકવાર તું મને કહે તો ખરી ? હું તારું દુઃખ મટાડવા જરૂર મહેનત કરીશ.”
કમળા કહે : “ભાઈ ! જોને, મને તારા જેવું ગાતાં નથી આવડતું. મારા ગળામાંથી એકે ય ગીત નથી નીકળતું. આકાશમાં