લખાણ પર જાઓ

પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૬
વાર્તાનું શાસ્ત્ર-૧
 

નવી કૂકડી તો ઊડીને રંગારાની દુકાન પાસે રંગનું કૂંડું હતું તેમાં પડી, અને મરી ગઈ.

કૂકડો બીચારો ઘરભંગ થયો એટલે નિમાણો થઈને એક પીંપળાના ઝાડ પર બેઠો.

પીંપળો કહે : “કૂકડાભાઈ, કૂકડાભાઈ ! આજે નિમાણા થઈને કેમ બેઠા છો ?”

કૂકડો કહે :

“કૂકડી પડી રંગમાં,
કૂકડો શોકઢંગમાં.”

પીંપળો કહે : “અરે !. એ તો બહુ દુઃખની વાત. એ દુઃખથી હું મારાં પાંદડાં ખેરી ખાનું છું.” એમ કહી પીંપળે પોતાનાં પાન ખેરી નાખ્યાં.

થોડી વાર થઈ ત્યાં પીંપળા નીચે એક ભેંશ આવી.

ભેંશ કહે : “પીંપળાભાઈ, પીંપળાભાઈ ! આજે આમ કેમ ? કાલે તો તમારા પર બહુ સુંદર પાંદડાં હતાં અને આજે એકે ય કેમ નથી ?”

પીંપળો કહે : “બેન ! કાંઈ કહેવાની વાત નથી.”

ભેંશ કહે : “ભાઈ કહો તો ખરા; છે શું ?”

પીંપળો કહે :

“કૂકડી પડી રંગમાં,
કૂકડો શોકઢંગમાં
અને પીંપળપાન ખર્યાં.”

ભેંશ કહે : “અરે ! આ તો બહુ દિલગીર થવા જેવું ! હું પણ મારાં શીંગડાં પાડી નાખીશ.” એમ કહી ભેંશે પોતાના શીંગડાં પાડી નાખ્યાં.