લખાણ પર જાઓ

પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?
૧૪૭
 

પછી ભેંશ નદીએ પાણી પીવા ગઈ.

નદી કહે : “ભેંશબાઈ ! ભેંશબાઈ ! શીંગડાં ક્યાં ગયાં?”

ભેંશ કહે : “અરે બેન ! કાંઈ કહેવાની વાત નથી.”

નદી કહે : “કહે તો બેન, એવું તે શું છે?”

ભેંશ કહે :

“કૂકડી પડી રંગમાં,
કૂકડો શોકઢંગમાં,
પીંપળપાન ખર્યાં
અને ભેંશશીંગ પડ્યાં.”

નદી કહે : “અરે ! આથી મને બહુ શોક થાય છે. હું યે હવે સુકાઈ જઈશ.” એમ કહી નદી સુકાઈ ગઈ.

ત્યાં એક કોયલ નદીએ પાણી પીવા આવી.

કોયલ કહે : “નદીબાઈ, નદીબાઈ ! આ શું ? કાલે તો રૂપાળાં બે કાંઠામાં વહેતાં હતાં, અને આજ પાણીનું ટીપું ય નહિ?”

નદી કહે : “અરે બાઈ ! કાંઈ કીધાની વાત નથી; ગજબ થઈ ગયો છે.”

કોયલ કહે : કહો તો ખરાં બેન ! શું દુ:ખ આવી પડયું છે

નદી કહે :

“કૂકડી પડી રંગમાં,
કૂકડો શોકઢંગમાં,
પીંપળપાન ખર્યાં
ભેંશશીંગ પડ્યાં
અને નદી નપાણી.”