લખાણ પર જાઓ

પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાર્તા કેવી રીતે કહેવી ?
૧૬૫
 

થયું છે.માણભટની વાતો સાંભળનારાઓ મોટા થઈને પોતાનાં બાળકોને સાંભળેલી વાતો કહે છે ત્યાં સુધી તેમની પાસેથી તે કોઈ ‘કઢાવતું’ નથી. ડોશીમાને ખોળે નાનપણમાં સાંભળેલી વાતો ફરી વાર ડોશીમા થઈએ છીએ ત્યારે વગર કઢાવ્યે આપોઆપ મગજનાં જૂનાં પડોમાંથી સ્ફુરી આવે છે. વહાણમાં ફરતાં કે કોઈ સરાઈમાં વટેમાર્ગુઓની સાથે રાત ગાળતાં કે કોઈ મિત્રમંડળીમાં ઘણાં ય વર્ષો પહેલાં સાંભળેલી વાતો એવી ને એવી તાજી અકબંધ વગર કઢાવ્યે નીકળી આવે છે. વાર્તાનું શિક્ષણમાં સ્થાન છે, પરંતુ વાર્તા કહીને કઢાવવાની રીતિથી વિદ્યાર્થીને તેમ જ વાર્તાને ઘણું નુકસાન થાય છે. બેશક વાર્તાના કથનથી વિદ્યાર્થીની ભાષા ઘડાય છે અથવા વાર્તાકથનનો એ ઉદ્દેશ પણ છે કે તે વડે વિદ્યાર્થીની ભાષા ઘડવી. પણ વાર્તા કઢાવીને ભાષા ઘડવાનો મોહ શિક્ષકે છોડી દેવો જોઈએ. આ તરફથી ખીચડીને તપેલીમાં ઓરીએ અને બીજી તરફથી કડછીએ કડછીએ કાઢીને તેને ખાવા બેસીએ ત્યારે જેમ કાચી ખીચડી આપણને ખાવા મળે, તેમ જ આજે આપેલી ભાષાશક્તિ પાછી કઢાવીએ તો કાચી ખીચડી જેવી ભાષાશક્તિ મળે. બીજારોપણ અને ફલાગમનની ક્રિયા એકીસાથે સંભવી શક્તિ હોય તો જ વાર્તાકથન અને પ્રતિકથનની ક્રિયાઓ એકીસાથે સંભવી શકે.

પ્રત્યેક વાર્તા કહેનારે પોતાની વાર્તા આડંબર વિનાની અને વિષયાંતરથી કેવળ મુક્ત રાખવી જોઈએ. ઘણા માણસો વાર્તા દ્વારા જ્ઞાન આપવાના આયોગ્ય હેતુથી એક વાર્તામાં ઘણી વાતો ગૂંથી દે છે. આથી વાર્તાના બંધારણમાં શિથિલતા આવી જાય છે અને ઘણી વાતોનો ખીચડો થઈ જવાથી વાર્તાનો આનંદ જામતો નથી તેમ જ્ઞાન પણ મળતું નથી. વાર્તાનો પ્રવાહ અસ્ખલિત