જોનારને જ આવી શકે છે. શબ્દચિત્રને રંગ કે રૂપચિત્રરૂપે આલેખેલું વાર્તાનું કથન પછી કોઈ બીજે સમયે જોવામાં બાળકોને જરૂર આનંદ આવે છે જ. વાર્તાનો એક બીજો ઉદ્દેશ વિદ્યાર્થીની કલ્પના ખીલવવાનો છે. જો વાર્તા કહ્યા પહેલાં કે વાર્તાના કથનની સાથે ચિત્રો બતાવતા જઈએ તો કલ્પનાના ઉડ્ડયનને અવકાશ રહેતો જ નથી. રાજા કેવો હશે તેની કલ્પના બાળક કરે અને તેમ કરતાં પોતાની કાવ્યશક્તિને ખીલવે તે પહેલાં તો માથે મુગટ અને હાથમાં તલવારવાળો રાજા આવીને ઊભો રહે તેથી બાળકોનો રસ ઊડી જાય છે, અને કલ્પનાશક્તિના વિકાસને પોષણ મળતું નથી. એક બીજી વાત પણ વિચારવા જેવી છે. વાર્તાના કથનથી વિદ્યાર્થીને આનંદ આપવાનો ઉદ્દેશ આપણને કબૂલ છે. પણ તે અનેક રીતે વાર્તાને રસિક બનાવીને આપવા કરતાં વાર્તારૂપી કલાને સંપૂર્ણપણે વિદ્યાર્થી આગળ ધરીને આપવાનો છે. વિદ્યાર્થીઓને વાર્તામાં રસ લેતા કરવા કરતાં વાર્તાનો રસ વિદ્યાર્થી પાસે ધરવાની વાત છે. વાર્તાકારનો ઉદ્દેશ વાર્તામાં બાળકને રસ લેતું કરવાનો છે. હરેક માણસ આપોઆપ વાર્તાના કથનમાં રસ લેતું થઈ જાય એમાં વાર્તાના કથનની ખૂબી છે. એ વિચારને ધ્યાનમાં રાખવામાં આવે તો વાર્તાના કથન સાથે રંગચિત્રોને અવકાશ ન જ રહે.
સારામાં સારા વાર્તાકારનો પ્રયત્ન પણ જ્યાં બાળકો પાસેથી ‘વાર્તા કઢવવાની’ રીત ચાલે છે ત્યાં નિષ્ફળ જાય છે. ‘વાર્તા કઢાવવી’ એટલે કહેલી વાર્તા બાળક પાસે કહેવરાવવી. વાર્તા આસ્વાદની વસ્તુ છે. બાળક જો વાર્તાથી રંજિત થાય તો વાર્તાનું કામ પૂરેપૂરું સર્યું છે એમ સમજવાનું છે. સાંભળેલી વાર્તા તુરત જ કઢાવવાનું કામ વાર્તા નિશાળમાં આવી ત્યારથી જ શરૂ