લખાણ પર જાઓ

પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાર્તા કેવી રીતે કહેવી ?
૧૬૩
 

છે, ઘ્રાણગોચ૨ ચિત્રો ઘ્રાણચિત્રો છે, તેમ જ કાન દ્વારા સ્મરણપટ ઉપર પડનારાં અને તે દ્વારા કલ્પનાને સ્પર્શનારાં ચિત્રો તે શબ્દચિત્રો છે. વાર્તા આવી જાતનું ચિત્ર છે. કલાકારનો ઉદ્દેશ માણસની સામે ચિત્ર આબેહૂબ ખડુ કરવાનો છે. એક ચિત્ર ખડુ કરતાં બીજા ચિત્રની મદદ કેટલી આવશ્યક છે કે વ્યવહારુ છે તેનો નિર્ણય કલાકાર કરી શકે છે. વાર્તાના કથન સાથે વાર્તાનાં રૂપચિત્રો વિદ્યાર્થીઓને બતાવતાં જવાં કે કેમ એ એક પ્રશ્ન છે. વાર્તાનો એક ઉદ્દેશ વિદ્યાર્થીઓના મગજ ઉપર શબ્દચિત્રોની અને તે વડે સાહિત્યની શક્તિનું દર્શન કરવાનો હોય તો શબ્દચિત્રોમાં બીજાં ચિત્રોને અવકાશ નથી. વાર્તાના કથન દ્વારા ખડાં થતાં શબ્દચિત્રોમાં ચિત્રની ગતિને રોધક હોય એવો કોઈ પણ જાતનો વિક્ષેપ ત્યાજ્ય છે. વિષયાંતર જેટલું નિંદ્ય છે તેટલું જ વાર્તાના કથન સામે રૂપચિત્રો અથવા સ્થૂળ ચિત્રોનું દર્શન પણ નિંદ્ય છે. ઘણા લોકો માને છે કે વાર્તાના કથન સાથે ચિત્રના દર્શનથી વાર્તામાં વધારે રસ જામે છે અને વાર્તાનું જ્ઞાન દૃઢ થાય છે. શબ્દચિત્ર જો વિદ્યાર્થી ઉપર અસર કરી શકતું ન હોય તો રંગ કે રૂપચિત્રોથી વાર્તાને સફળ કરવાનો પ્રયત્ન વાર્તાના ખરા ઉદ્દેશને નિષ્ફળ કર્યા બરાબર છે.

ચિત્રદર્શનથી વાર્તાને કે કોઈ પણ વસ્તુને સમજી તેનો આનંદ લેવો તે અલગ વાત છે. ઊલટું જેમ એક સુંદર ચિત્રને જોવામાં વાર્તાચિત્ર આડે આવે છે તેમ જ એક સુંદર શબ્દચિત્રની આડે રંગચિત્ર જરૂર આવે છે જ. જ્યાં જ્યાં વાર્તાની સાથે ચિત્ર બતાવાય છે ત્યાં ત્યાં વિદ્યાર્થીઓમાં રસનો કેવો ભંગ થાય છે, વર્ગમાં કેટલી બધી અવ્યવસ્થા જામે છે, અને શબ્દચિત્રનું કેટલું બધું દારિદ્રય નજરે પડે છે તેનો ખ્યાલ તો આવા પ્રયત્નો નજરે