લખાણ પર જાઓ

પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાર્તા કહેવાનો સમય
૧૭૩
 

વાર્તા સાંભળવાને રુચિ ધરાવે ત્યારે જ તેમને વાર્તા કહેવાનો સમય ગણવાની રીતિ સૌથી સરસ છે. આટલું પણ ન થઈ શકે ત્યાં એટલું તો અવશ્ય કરવાની જરૂર છે કે વાર્તાનો સમય થાય છતાં જો સાંભળનારાઓની મરજી ન હોય તો તેમને સમયપત્રકની ખાતર તો વાર્તા કહેવા ન જ બેસી જવું જોઈએ. કિન્ડરગાર્ટન શાળાઓમાં અને તેમને માર્ગે ચાલતી બીજી શાળાઓમાં આ એક દૂષણ છે. વળી જો કદાચ વાર્તાને સમયપત્રકમાં નોંધવામાં આવે અને અમુક અવશ્ય સમયે તે કહેવાનો પ્રબંધ કરવામાં આવે તો એટલું તો અવશ્ય કરવું જ ઘટે છે કે જે વિદ્યાર્થીઓને વાર્તા સાંભળવાની મરજી ન હોય તેમને વાર્તા સાંભળવાની ફરજ પાડવામાં ન આવે.

જેમ રાત્રિદિવસમાં વાર્તા કહેવા માટે રાત્રિ એ વધારે અનુકૂળ વખત છે, તેમ આખા વર્ષમાં કેટલાએક દિવસો કેટલીએક વાર્તાઓ કહેવાને માટે વધારે અનુકૂળ છે. નાગપાંચમને દિવસે નાગબાપાની વાર્તા, શીતળાસાતમને દિવસે શિતળામાતાની વાર્તા, વાઘબારશે વાઘની વાર્તા, એમ તહેવારે તહેવારે વાર્તા કહી શકાય. આપણે ત્યાં આ રિવાજ ઘણો જૂનો છે. બોળચોથ આવે એટલે મારાં ભાભુ ઘઉંલાની વાર્તા કહે જ કહે. શીતળાસાતમ આવે ને શીતળામાતા આગળ મહારાજ શીતળાની વાર્તા કરતો જ હોય. સંકટ સોમવારે શંકરની વાતો ને પુરુષોત્તમ માસમાં રોજ ને રોજ આખો મહિનો પુરુષોત્તમ મહારાજની વાર્તાઓ સાંભળતી સ્ત્રીઓને મેં જોઈ છે. આવી વાર્તાઓ એના ખાસ દિવસોએ જ શોભે. શાળાએ આ વાર્તાઓને વીસરી જવાની નથી. તહેવારે તહેવારે એની વાર્તાઓ થવી જ જોઈએ. એવી વાર્તાઓનો ખરો સમય એનો તહેવાર છે. બધું વખતે શોભે એમ