લખાણ પર જાઓ

પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાર્તા કહેવાનો સમય
૧૭૭
 

જ જાય. કોઈ વાર એવો મોકો જ આવી લાગે છે. બસ એ મોકા ઉપર જે વિષય ઉપર વાર્તા ચાલી તે ઉપર ચાલી; પછી એનો પાર જ ન આવે. શિક્ષકો હંમેશાં પ્રસંગાનુસાર વાર્તાઓ કહેવાના ભારે શોખીન ગણાય છે. પણ એમની પ્રસંગાનુસારી વાર્તાઓનું ક્ષેત્ર એકદમ મર્યાદિત હોય છે. મોટે ભાગે એમની વાતો શિક્ષણને લગતી કે ચારિત્ર્ય ઘડનારી કે ધર્મનીતિ ભરેલી હોય છે. પ્રસંગ આવ્યે વાર્તા કહેવાનું શિક્ષકભાઈઓ ભાગ્યે જ ચૂકે છે. એકાદ વિદ્યાર્થીએ ભૂલ કરી તો એવી ભૂલનાં કેવાં પરિણામો આવે છે તેની એકબે વાતો શિક્ષકભાઈના ખીસામાંથી નીકળી જ પડવાની. કોઈ વિદ્યાર્થીએ સમયસૂચકતાની વાત કાઢી તો શિક્ષક તેને બેચાર વાતો સંભળાવે જ. ઘણીવાર પાઠેપાઠે પાઠ સમજાવવા માટે કે તે રસિક કરવા માટે પણ સારો શિક્ષક વાર્તાને વાપરે છે. આ બધી પ્રસંગાનુસારી વાર્તાઓ સમયપત્રકને કે ઋતુપત્રકને કે તહેવારપત્રકને અધીન નથી; એ તો જ્યારે જોગ મળે ત્યારે કહેવાય તેવી છે.

કેટલીએક વાર્તાઓ એવી છે કે જ્યારે કહીએ ત્યારે કહેવાય. તેનો અર્થ એવો નથી કે તે જ્યારે કહેવાય ત્યારે શોભે. પરંતુ કેટલીએક શાળાઓમાં જ્યાં અઠવાડિયે કે પખવાડીયે લોકવાર્તાનો સમય રાખવામાં આવે છે, ત્યાં તેને હાજર રહેવું પડે છે. એ સમય લોકવાર્તાનો હોવાથી એમાં લોકવાર્તા કહેવાય છે. એ વખતે થાકેલા વિદ્યાર્થીઓને વાર્તા દ્વારા આનંદ અને આરામ આપવાનો હોય છે. એટલે સમયાનુસારી વાર્તાનો એમાં ખાસ પ્રશ્ન નથી. જે વાર્તા હાથમાં આવી તે વાર્તા જે સમય ઠરાવેલો હોય છે તે વખતે ચાલી શકે છે.

કેટલાએક એવા સમયે જ હોય છે કે જે વખતે વાર્તા