લખાણ પર જાઓ

પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાર્તા અને નાટ્યપ્રયોગ
૨૦૩
 

કરતાં તેને બધાં રોકે છે ત્યારે તે પોતાની આસપાસ ને પોતાના અંતરમાં કલ્પિત સૃષ્ટિ રચે છે અને છેવટે તેમાં આનંદ લેવા પ્રયત્ન કરે છે. આ રોકાયેલી વૃત્તિમાંથી ઘર ઘરની, ગાડી ગાડીની, ભાતું ભાતું’ની ને એવી એવી રમતો જન્મે છે. બાળકને ઈચ્છાએ કે અનિચ્છાએ આવી રમતોમાં રસ લેવો પડે છે. બાળકને જ્યારે આમ કલ્પનામાં વિહરવું પડે છે ત્યારે બાલજીવનને અવલોકનારા ભુલાવામાં પડી માનસશાસ્ત્રનો એવો સિદ્ધાંત ઘડે છે કે બાળક વાસ્તવિકતા કરતાં કલ્પનાપ્રધાન વધારે છે. પરંતુ ખરી રીતે તો બાળક આવી જાતનું કલ્પક ત્યારે જ બનેલું છે જ્યારે તેને વાસ્તવિકતાના પ્રદેશમાંથી હાંકી કાઢવામાં આવેલું છે. આ વાતની માનસશાસ્ત્રીને ખબર હોતી નથી. આવી નાની નાની રમતોમાં માનસશાસ્ત્રીઓ અને શિક્ષણશાસ્ત્રીઓ બાળકોની આવી નાટ્યપ્રયોગ કરવાની વૃત્તિને જુએ છે, ને એ વૃત્તિ ઉપર નાટ્યપ્રયોગને શિક્ષણમાં યોજવાની વિચારણા ઘડે છે.

વાર્તા અને નાટ્યપ્રયોગ ખરી રીતે તો અનુકરણ કરવાની શુદ્ધ વૃત્તિમાં જ બાળકની નાટ્યવૃત્તિનું દર્શન થાય છે. જો એ શુદ્ધ વૃત્તિને અવકાશ મળે અને બાળકને કલ્પનાના પ્રદેશમાં ધકેલી દેવામાં ન આવે તો બાળક સાચેસાચ પોતાની નાટ્યવૃત્તિનું ઉત્તમ ફળ આપણને આપી શકે. બાળકમાં નાટ્યવૃત્તિ એ એક વૃત્તિ છે જ. એ વૃત્તિને બીજી રીતે આપણે સિદ્ધ અનુકરણવૃત્તિ પણ કહીએ. માણસના પોતાનામાં જે વ્યક્તિત્વ છે તે વ્યક્તિત્વ ખીલવવા માટે આ નાટ્યવૃત્તિનો આપણે ઉપયોગ કરી શકીએ. આ વૃત્તિનો સફળ અને ઉત્તમ ઉપયોગ ત્યાં જ થાય છે કે જ્યાં મનુષ્યનું ખુદ વ્યક્તિત્વ જ નાટ્યકારનું કે નટનું છે. બીજે બધે ઠેકાણે અનુકરણ સાધન છે પણ જ્યાં વ્યક્તિત્વ પોતે જ નટનું છે ત્યાં અનુકરણ