પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૧
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૫૧
 

લોકવાર્તાનું સાહિત્ય લોકસાહિત્ય જોઈતું હોય તો તે શાળાના શિક્ષક કે કૉલેજના પ્રોફેસર પાસેથી નહિ મળે; એ નહિ મળે રાજદ્વારી મુત્સદી પાસેથી કે વિલાયત કે અમેરિકા જઈને ખેતીવાડીનું શાસ્ત્ર શીખી આવેલ ખેડૂત પાસેથી. એ નહિ મળે સિનેમા કે નાટકનાં થિયેટરોમાંથી કે થોકબંધ પુસ્તકો છાપતાં મુદ્રણાલયો કે પ્રકાશનમંદિરોમાંથી. એ નહિ મળે મિલોનાં ભૂંગળાંમાંથી કે મોટરોના ભૂંકણમાંથી. નહિ મળે એ આર્ટ ગેલેરીમાંથી કે સંગીતશાસ્ત્રીઓના જલસાઓમાંથી. નથી એ મળવાનું પંચદશી અને પંચીકરણ વાંચનારા મહારાજો પાસેથી કે નથી એ મળવાનું વ્યાકરણના પાઠો ભણેલા શાસ્ત્રીજી પાસેથી. નથી એ રહેતું ખંડકાવ્યો કે એકભાવકાવ્યો કરનાર કવિ પાસે કે નથી એ રહેતું મુંબઈમાં બેઠાં બેઠાં ઐતિહાસિક નવલકથા લખનાર લેખકો પાસે. લોકસાહિત્ય તો રહે છે કોસ હાંકતા ખેડૂત પાસે કે ભાત દેવા જતી ભથવારી પાસે. કાં તો એ રહે છે પનઘટ જતી પનિહારીને બેડે કે કાં તો એ રહે છે કોઈ છાણાં વીણવા જતી જૂનીપુરાણી ડોશી પાસે. લોકસાહિત્ય રહે છે સોનીની કે લુહારની કોડે કે એ રહે છે કુંભારને ચાકડે. કોઈ વાર એ તંબૂરાને રણકારે રહે છે તો કોઈ વાર તો એ ચૂડલીઓના ઝણકારે રહે છે. ભાટચારણ અને જૂના જોગીજતિઓ લોકસાહિત્યનું માહેરઘર છે. ઘણી વાર તો એ રહે છે માતાજીને અર્પણ થયેલાં નરનારીઓની પાસે તો કેટલેક ભાગે એ વરેલું છે ભરવાડની જીભે લોકસાહિત્ય શોધવું હોય તો શહેર છોડીને ગામડામાં જવું પડે કે ગામ છોડીને સીમમાં જવું પડે. વાસુ ગયેલો ખેડૂનો જુવાન દીકરો ને બાજુના ખેતરનો સંતતિ વિનાનો એકલદોકલ ઘરડો ડોસો જ્યારે સોરઠા, દુહા ને રામવાળા લલકારે ત્યારે જ લોકસાહિત્યની નદીઓ રેલે. ઘસાઈ ગયેલા કાઠિયાવાડના ૨૫૧