પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૨
 

વાર્તાનું શાસ્ત્ર-૧ એકભાવમાં માબાપો અને બાળકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ એકબીજાના ગાઢ પરિચયમાં આવે છે, એમની વચ્ચેનું ઉંમરનું અને જ્ઞાનનું મહદ્ અંતર તૂટી જાય છે અને તેઓ એકબીજાનાં બની જતાં વિશ્વાસ, પ્રેમ અને સહાનુભૂતિ એમનામાં આપોઆપ પ્રગટ થાય છે. આ મીઠા સંબંધમાંથી ઘરની કે શાળાની કે સમાજની વ્યવસ્થાના પ્રશ્નો સરળ થઈ જાય છે. સર્વ વાર્તા કહેનાર માબાપો અને શિક્ષકોનો અનુભવ એવો છે કે વાર્તાના કથનમાં રસિયાં બાળકો વ્યવસ્થાના નિયમોને ખૂબ માન આપે છે. વાર્તાનું કથન પોતે જ એમનામાં એક પ્રકારની વ્યવસ્થા ઉત્પન્ન કરે છે. એ વ્યવસ્થાની અસર બીજા બધા યે પ્રસંગે ચાલુ રહેવાનો અનુભવ ઘણાંને છે. શાળાનો ઘોંઘાટ વાર્તાના જાદુની એક લાકડી ઊંચી થતાં જ શાંત પડે છે; તોફાન કરતું કે કજિયા કરતું બાળક વાર્તાની વાત નીકળતાં જ આનંદમગ્ન ચહેરે ટાઢુંટમ જેવું થઈ જાય છે. વાર્તા કહેનાર પોતાના હાથમાં હંમેશાં એક જાતની એવી રામબાણ ઔષધિ લઈને ફરે છે કે જેના વડે બેચેન, બસૂરાં, અવ્યવસ્થિત, ઘોંઘાટિયાં, ચીડિયાં અને રિસાયેલાં બાળકો કે મનુષ્યોને તે તરત જ સુવ્યવસ્થિત કરી શકે છે. વાર્તા કહેનારને આવા અનુભવો અત્યંત સ્વાભાવિક છે, એટલે હું વધુ દષ્ટાંત નહિ આપું. માથું ઓળાવવાની આનાકાની કરતું બાળક માનું વાર્તાકથન શરૂ થયું કે માના ખોળામાં નિરાંતે બેસી રહે છે. ન સ તેવી ચીજને માટે કજિયો કરતું બાળક વાર્તાનો પહેલો શબ્દ કાને પડતાં જ વાર્તારૂપી મીઠાઈને ખાવા દોડે છે. ઉંઘાડવાને માટે હાલરડાં કે વાર્તાકથન ઉત્તમ પ્રયોગ છે. આ બધા વાર્તાના ફાયદાઓ છે. વાર્તા કહેવાના આ ઉદ્દેશો ગૌણ ભાવે હરહંમેશ પ્રવર્તે છે. ૧૨