પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૩
 

વાર્તાકથનનો ઉદ્દેશ એકબે બીજી દષ્ટિએ પણ વાર્તાનું કથન આવકારદાયક છે. જેમ બાળકની કલ્પનાશક્તિ વાર્તાથી ખીલે છે તેમ બાળકની સ્મરણ- શક્તિ પણ વાર્તાથી ખીલે છે. સ્મરણશક્તિનો મૂળ પ્રાણ વિચાર- સંકલનના છે. એક વસ્તુને જોડાયેલી બીજી વસ્તુ સાંભરે, એક અનુભવ સંભારતાં બીજો યાદ આવે, એક પ્રસંગ તાજો કરતાં બીજો પ્રસંગ ડોકિયું કરે, એ સ્મરણશક્તિના વિચારસંકલનાના તત્ત્વને કારણે છે. આપણામાં જેટલા પ્રમાણમાં વિચારસંકલનશક્તિ વધારે તેટલા પ્રમાણમાં આપણી સ્મરણશક્તિ વધારે પ્રબળ. વાર્તાની ગૂંથણી એવા પ્રકારની છે કે એમાં વિચારસંકલના સરળ અને સહજ છે. આ સરળતા અને સાજિકપણાને લીધે વાર્તાનો તંતુ સળંગ ચાલ્યો આવે છે અને સ્મરણશક્તિને પોષક અને સહાયક બને છે. સ્મરણશક્તિ જેવી કોઈ ખાસ માનસિક શક્તિ છે કે કેમ એ પ્રશ્ન અહીં ઊભો નહિ કરીએ; પણ વાર્તાકથનના પરિણામની દૃષ્ટિથી વિચારતાં એમ કહેવું પડે કે વાર્તાકથનથી સ્મરણશક્તિ ખીલે છે. એમ બોલીએ તોપણ ચાલે કે વાર્તા એક એવું સાધન છે જેના વપરાશથી સ્મરણશક્તિને જોઈતી અને નીરોગી કસરત મળે છે. અસંબદ્ધ વાતોને સંગ્રહવાથી સ્મરણશક્તિ કમી થાય છે. પણ સંબદ્ધ અને યથાર્થ વાતોના શ્રવણથી સ્મરણશક્તિને હિતાવહ કસરત મળે છે. વાર્તામાં સંબદ્ધતા અને યથાર્થતાના ગુણો મોટે ભાગે હોય છે. વાર્તાકથનથી બાળકમાં રહેલી નટવૃત્તિને માર્ગ મળે છે એ એક વાર્તાકથનનો બીજો ઉદ્દેશ પણ છે. આ સંબંધે વાર્તા અને નાટયપ્રયોગો' નામના પ્રકરણમાં વિસ્તારથી લખ્યું છે. અહીં આ વિચારને માત્ર સ્પર્શીને જ આગળ ચાલું છું. વાર્તાકથનના એકબે વિશેષ લાભો નોંધીને આ પ્રકરણ પૂરું કરીશ. ૧૩