લખાણ પર જાઓ

પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાર્તાની પસંદગી
૨૯
 

માટે નીતિઅનીતિનું ધોરણ બાંધીને તેમને માથે લાદવું એ એક અત્યાચાર જ છે. આટલા જ માટે વાર્તાની પસંદગી સંબંધે વિચાર કરતાં આપણે બાળકની દૃષ્ટિને પૂરતો અવકાશ આપવાનો છે. એની સાથે જ આપણે દૃઢ આગ્રહ રાખવાનો છે કે આપણે કોઈ પણ વાર્તા દ્વારા નીતિ ઠસાવવાનો મમત રાખવાનો નથી; એટલું જ નહિ પણ આપણે બાળકોના વિચારો ઘડવાનો ઈજારો આપણા હાથમાં રાખવાનો નથી. આપણે આપણી મતિ અનુસાર સારું લાગે તે બાળક પાસે ધરીને બેસવાનું છે. આપણે પસંદગી કરવાની નથી; બાળકને પોતાને પસંદગી કરી લેવા દેવાની છે. વાર્તા કહેનારને શિર બાળકને ઘડવાની જવાબદારી નથી. એ જવાબદારી નીતિશિક્ષણશાસ્ત્રી ભલે લે અને તેનાં કટુ ફળ ચાખે. વાર્તા કહેનારનું કામ તો બાળકને વાર્તા કહેવાનું છે; પોતે ઘણા જ ઉદાર ચિત્તથી વાર્તાઓ સુંદર ગણે તે વાર્તાઓ તેણે કહેવાની છે. પછી બાળકનું શું થાય છે, તે તેણે દૂરથી જોવાનું અને આનંદ લેવાનો છે.

અનીતિ ભરેલી વાર્તાઓને રજા આપ્યા પછી નીતિ ભરેલી, નીતિના ગુણ ગાતી, નીતિના શિક્ષણ માટે જ ખાસ યોજાયેલી એવી વાર્તાઓનું શું કરવું એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આ સંબંધે ‘વાર્તાનું કથન અને નીતિશિક્ષણ’ વાળા લખાણમાં વિસ્તારથી લખવામાં આવ્યું છે. જે વાર્તાઓ ખાસ કરીને નીતિશિક્ષણ આપવા માટે કહેવામાં આવે છે તથા જે વાર્તાઓ નીતિનાં વસ્ત્રોથી સર્વાંગે વીંટળાયેલી હોય છે, તે વાર્તાઓના કથનથી એવી વાર્તાઓના પોતાના જ ઉદ્દેશને એટલે નીતિશિક્ષણને પૂરેપૂરો ધક્કો લાગે છે. નીતિની વાર્તાઓ ઘણી વાર એટલી બધી અસ્વાભાવિક અને એટલી તો અતિશયોક્તિ ભરેલી હોય છે કે