વળી એક જ સ્વાભાવિક ઉમરનાં બાળકોમાં પણ બુદ્ધિભેદે, રસવૃત્તિભેદે, પરિસ્થિતિભેદે એક જ પ્રકારની છતાં જુદી જુદી રચનાની ને જુદી જુદી વસ્તુની વાર્તાઓ સાંભળવાનો શોખ માલૂમ પડે છે. દાખલા તરીકે આપણે બાળવાર્તા કહેવા બેસીએ તો કોઈને ઉંદરની વાર્તા ગમશે તો કોઈને ચકલાચકલીની ગમશે; કોઈ કાગડા અને પોપટ માટે મરી પડશે તો કોઈ ધનિયા હજામ ઉપર ફિદા હશે; કોઈને દેડકાદેડકીની વાર્તા હલાવી નાખતી હશે તો કોઈ વળી વાદીલા હજામમાં મોહિત થયેલ હશે. આ બધી રુચિઓને અવકાશ તો હોવો જ જોઈએ. આ ભિન્ન ભિન્ન રુચિ ક્યાંથી આવે છે એ પ્રશ્ન વાર્તા કહેનાર પાસે સીધેસીધો નથી, અને છે પણ ખરો. વાર્તાકથનના શ્રવણમાં બાળકની કઈ વૃત્તિ પ્રધાનપણે છે તે શોધવું અત્યંત કઠિન છે. સામાન્ય રીતે આટલા જમાનાના અનુભવ ઉપરથી આપણે જાણી શક્યા છીએ કે આવી આવી વાર્તાઓ બાળકોને પ્રિય છે, અને એ વાર્તાઓ આપણે બાળકોને કહીને તેમને સંતોષ આપી શક્યા છીએ. પણ બાળકોની વાર્તાની પસંદગી કરવાની વૃત્તિની પાછળ આપણે જઈને જોઈ શક્યા હોઈએ ને એ વૃત્તિનું કારણ ખોળી કાઢતા હોઈએ તો નવી નવી વાર્તાઓ આપણે સફળતાથી યોજી શકીએ, એટલું જ નહિ પણ વાર્તાનો ક્રમ આપણે વધારે સ્થિર ને વ્યવસ્થિત કરી શકીએ. બાલ-મનનો પ્રદેશ અત્યંત વિશાળ છે; એ પ્રદેશમાં રુચિઓ અને અરુચિઓની શોધ કરવી કઠિન છે. છતાં ક્રમ નક્કી કરવા આપણે બને તેટલા એ રુચિઓની પાછળ જઈએ. બાળક વાર્તાને સાંભળે છે એ નવાઈની વાત નથી, પણ એ શા માટે સાંભળે છે એ નવાઈની વાત છે, અને તેથી ય વધારે નવાઈની વાત તો એ છે કે અમુક ઉંમરનું અને એક જ ઉંમરે અમુક જાતનું બાળક અમુક જ વાર્તાઓ શા માટે સાંભળે છે !