લખાણ પર જાઓ

પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાર્તાઓનો ક્રમ
૪૯
 

“કહાણી કહું કૈયા ને સાંભળ મારા છૈયા;
છૈયૈ માંડયું હાટ ને ત્યાંથી નીકળ્યો ભાટ.”

અથવા

“એક વાતની વાત અને સવાયાની સાત;
એક બોરડીનો કાંટો તે સાડી અઢાર હાથ.”

વગેરે અર્થ વિનાની વાતો સંભળાવવા બેસીશું નહિ; અને કદાચ તમને છેક નાંનાં બાળકો ગણીને એવી વાર્તાઓ કહેવાની ભૂલ કરીશું તો તેઓ જ આપણને ખાતરી કરી આપશે કે એ વાર્તાઓ તેમને માટેની નથી. જેમ બાળકોની સ્વાભાવિક ઉંમરના ભેદે વાર્તાના શ્રવણના શોખમાં ભેદ છે, તેમ જ બાળકોની અસ્વાભાવિક ઉંમરના ભેદે પણ વાર્તાના શ્રવણના શોખમાં ભેદ પડે છે. બાળકને સ્વાભાવિક ઉંમર હોય છે તેમ જ તેને માનસિક ઉંમર પણ હોય છે. કેટલાંએક બાળકો જેને આપણે ચાલાક અથવા ડાહ્યાંડમરાં અથવા પાકટ બુદ્ધિનાં કહીએ છીએ તેઓ શરીરની ઉંમરે નાનાં હોવાં છતાં માનસિક ઉંમરે મોટાં હોય છે. એમ જ ઊલટું કેટલાંએક આધેડ વય સુધી પહોંચેલાં મનુષ્યો માનસિક ઉંમરે છેક નાનાં બાળક જેવાં હોય છે. આથી આવી જાતના માનસિક ઉંમરના ભેદને કારણે વાર્તાકથનના ક્રમની ગોઠવણમાં એક અધિક વિચારને ધ્યાનમાં રાખવો પડે છે; છતાં સામાન્ય રીતે બાળકોની સ્વાભાવિક ઉંમરે એ જ એમની માનસિક ઉંમર હોવાનો મોટે ભાગે સંભવ છે, અને ઉક્ત દાખલાઓ અપવાદરૂપે હોવાથી વાર્તાના ક્રમની યોજનાને આપણે આવાં દૃષ્ટાંતોથી અબાધિત રાખશું. આવી જાતના અપવાદોને આપણે સદૈવ ધ્યાનમાં તો રાખવા જ પડશે, અને એવાં બાળકોને એમના શોખની વાર્તાઓ કહેવાના વિચારને સ્વીકા૨વો પણ પડશે જ.