બાળકોને આવાં આવાં કારણોથી વાર્તાઓ ગમે છે તે સંબંધે આટલા વિવેચન પછી આપણે વાર્તાનો ક્રમ ગોઠવીએ. આગલી ચર્ચા ઉપરથી આપણે આટલું તો નક્કી કરી શકીએ જ કે બાળકોને નીચે લખ્યા પ્રકારની વાર્તાઓ ખસૂસ ગમે છે :–
(૧) નાનાં નાનાં જોડકણાંની વાર્તાઓ.
(૨) નાનાં નાનાં જોડકણાં જેમાં પ્રધાન હોય તેવી વાર્તાઓ.
(૩) પ્રાણીઓની વાર્તાઓ.
(૪) પોતાની આસપાસ બનતી પરિચિત વસ્તુઓ અને
પ્રાણીઓના બનાવોની વાર્તાઓ.
(૫) જેમાં ક્રિયાઓનો મોટો ભાગ હોય તેવી વાર્તાઓ.
આવી વાર્તાઓને મેં સામાન્ય રીતે ‘બાળવાર્તાઓ’ એવું નામ આપ્યું છે.
પહેલા વર્ગમાં આપણે કહાણી કહું કૈયા, એક વાતની વાત અને નકો નકો રાજાને મૂકીએ.
બીજા વર્ગમાં ડોશીની વાર્તા, એક ચકલીની વાર્તા, કાગડો અને કોઠીબું, કૂકડી પડી રંગમાં, ચકી પડી ખીરમાં, જૂકા પેટ ફૂટ્યા, નદી લોહી લોહી, વગેરેને આપણે ગણાવીએ.
ત્રીજા વર્ગમાં બિલાડીની જાત્રા, કાગડા કાબરની વાર્તા, ભટૂડીની વાર્તા, કચેરીમેં જાઉંગા, વગેરેને ગણાવી શકીએ.
ચોથા વર્ગમાં આવી વાર્તાઓ માન્ય ગણાય :– કાગડો અને વાણિયો, ઈસપનીતિની કેટલીએક વાર્તાઓ વગેરે.
પાંચમા વર્ગમાં આવી વાર્તાઓને મૂકી શકાય :– પાલીમાં પાંચ ઉંદરડા, ટશુકભાઈની વાર્તા, ટાઢા ટબૂકલાની વાર્તા, વગેરે.
આપણે પ્રથમ શ્રેણીરૂપે આવી વાર્તાઓ નક્કી કરી, પરંતુ એ સાંભળવી યા ન સાંભળવી તે બાળકોની મરજીની વાત છે.