કોઈ પણ વાર્તા બાળકને અત્યંત ગમી જાય, તેનું પુનરાવર્તન બાળક વારંવાર માગ્યા કરે, તો સમજવું કે વાર્તા બાળકને ખૂબ ગમી ગયેલ છે. તે વખતથી તે વાર્તા તે ઉંમરના બાળકને લાયક બને છે. બાળકના મગજમાં કે મનમાં કોઈ એકાદ મનગમતી વાર્તા સાંભળવામાં આવતાં એક જાતના ઓર આનંદનો અનુભવ થાય છે. તે અનુભવની ખાતર જ બાળક આપણી પાસે વાર્તા કહેવરાવ્યા કરે છે; વાર્તાની બધી હકીકતો તેના ધ્યાનમાં આવે છે ને નથી પણ આવતી.
એક છોકરીને લાડવા ખાવાનો ભારે શોખ હતો તેને એકવાર ‘કહાણી કહું કૈયા’ની વાત મેં કહી; તે તેને અત્યંત ગમી. તે જોડકણું હતું તેથી તેને ગમી ન હતી; તેની ભાષા- રસિકતાને લીધે તે તેને પ્રિય થઈ ન હતી; પણ :–
“મહાદેવે મને લાડવા આપ્યા;
લાડવા મેં ઘેર આણ્યા.
એક લાડવો મેં ખાધો;
એક લાડવો બાએ ખાધો;
એક લાડવો ભાઈએ ખાધો;
એક લાડવો કાકાએ ખાધો;
એક લાડવો બેને ખાધો.
ને એક લાડવો મામા માટે રાખ્યો
તે કાળિયો કૂતરો આવીને ખાઈ ગયો !”
એટલાં ભાગમાં આઠ વખત ‘લાડવો’ શબ્દ આવે એટલે એને એમાં ભારે ગમ્મત પડી. આખી વાર્તા એ સાંભળે પણ નહિ; પણ પાછલો ભાગ સાંભળવા તે એટલી બધી અધીરી બને કે મારે :–