પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦૧
વસુંધરાના વહાલાં-દવલાં
 

અભિલાષું આ વરલાડો આગગાડીના વધતા જતા વેગે વેગે વિચાર વંટોળે ચડ્યો. એ ધનવાન નહોતો. એણે આજ પચાસ વર્ષની ઉમર સુધી પરણવાની – ફક્ત એક વાર લગ્ન કરવાની – શક્તિનો ટીપે ટીપે સંચય કર્યો હતો. એણે અરધો રોટલો ખાઈને આનો-બે આના બચાવ્યા હતા. કૂડ, દગો, છેતરપીંડી અને પ્રપંચ કરવાની જ્યાં પાઈ પાઈની કમાણી માટે પણ જરૂર પડી રહી છે તેવા સમાજનો એ માનવી હતો. ગુજરાતનો એ ગ્રામ-વેપારી હતો. એને એક વાર લગ્ન-સુખ લેવું હતું. એના બે મોટા ભાઈઓ પરણ્યા વિના અરધા અરધા સૈકાના જીવન-જોતરા ખેચીને ખતમ થઇ ગયા હતા. પણ એનો ગુનો ઊજળા વર્ણમાં અવતાર લીધાનો હતો. ત્રણ-ત્રણ અપરણિત ભાઈઓના ઘરમાં દામ ચૂકવવા ચાત પણ કોઈ જ્ઞાતિજન પોતાની કન્યાને મોકલવા હામ ભીડતો નહોતો. એ ભાઈઓના નામ ચેરાઇ ગયા હતા.

નામનું ચેરાવું એ એક ભયંકર વસ્તુ હતી. સમાજ વાંદરાના કટક જેવો હતો : એક વાંદરાને શરીરે એક જ નાનો ઉઝરડો પડે છે, ને એક પછી એક વાંદરું બાધવતાની લાગણી લઈને એને મળવા આવે છે. એક પછી એક એ પ્રાણીઓના નહોર મૂળ નાનકડા ઉઝરાડાને સહાનુભૂતિના ભાવે વધુ ને વધુ પહોળો કરતા પાછા વળે છે. માનવ-સમાજે આ ત્રણ ભાઈઓના નામ પરના કોઈ નાનકડા ચેરા પર પણ એવી જ સહાનુભૂતિના નહોર-પ્રયોગ કાર્ય હતા. એ નામોમાંથી આબરૂના ત્રાગડાને એક પછી એક ગણી ગણી દુનિયાએ ખેંચી કાઢ્યા હતા. મારનારા બે ભાઈઓની છેલ્લી પળનો એક જ પ્રકાર હતો : નાનેરા ભાઈનું કોઈ પણ વાતે ઘર બંધાય ! તે પછી દસ વર્ષે નાનેરો ત્રણેની કમાણીના સમસ્ત સરવાળાની એકસામટી બાદબાકી રમીને આજે ગોમતીજીના તટેથી પાછો વળતો હતો. ગુસ્સો કરી લેવાની એ પણ એક જીવન-ઘડી હતી. ચાર-છ હજાર રૂપિયાનું મુલ્ય માગનારી એ ગુસ્સાની ઘડીએ આ માણસને ઉકાળી નાખ્યો. એણે તેજુને ધમકાવી : “હું તને પોલીસમાં સોપીશ. તું પણ આ કાવતરામાં સામેલ છો. “

“સુખેથી સોપો, ભાઈ !” તેજુએ એ વાતની નવાઈ નહોતી. “મારે