પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦૮
વસુંધરાના વહાલાં-દવલાં
 


પ્રતાપે નાનકડા પીપરડી ગામમાં સર્વ પ્રકારના શહેરી સ્નેહીઓને આકર્ષણ કરનારી સામગ્રી વસાવી હતી.

‘મારી નવલકથા કોઈ સુંદર વાતાવરણમાં બેસીને મારે લખવી છે. પીપરડીની બંગલી સાફ છે કે ? ‘ પ્રતાપ પર કોઈ ગ્રંથકાર સ્નેહીનો કાગળ આવતો.

‘હિંદભરમાં સ્વરાજ-ફાળો ઉઘરાવીને વિસામો શોધું છું. માથેરાન-મહાબળેશ્વર તો હવે જૂના બની ગયા છે. બોલો, બીજા મિત્રો તરફથી તાકીદના તારો આવી પડયા છે, તમારા પર કળશ ઢોળું કે ? ‘ એવો એક દેશસેવકનો કાગળ નહિ પણ તાર જ આવતો.

‘ઇન્દ્રનગરની કોર્ટમાં મારા એક સ્નેહીને માથે રાજની આફત આવી છે. તમારા વિના બચાવ નથી. કાલે ટ્રેન પર જોડાશો ? ‘ દેશી રાજ્યના ઇન્સફ્ને જાહેર સભામાં ‘બાપુ શાહી’ કહી વગોવનારા કોઈ રાષ્ટ્રવીર પોતાના ખોટા દસ્તાવેજ કરનાર સાળાને ઉગારવાની મેલી રમતમાં પણ પ્રતાપ શેઠની આ પ્રમાણે મદદ લેતા, ને લેતા એટલે, બસ, ફાવતા.

નાનકડા પીપરડી ગામમાં પ્રતાપ શેઠ હોય તો જ દેરાસર ગણાય અને સાધુ સાધ્વીઓને ઉતારવા ઉપશ્રય બંધાય અને એક ગાઉંના ફેરમાં જઇને રાજની રેલગાડીના પાનાં પીપરડીને પાદર પડે એવું સ્વપ્ન પણ જ્યાં બેવકૂફીમાં ખપે ત્યાં પ્રતાપ શેઠે સાચું કરી બતાવ્યું. જમીનો મપાઈ, સડક દોરાઈ, માટીના સૂંડલા ધમધોકાર પડવા લાગ્યા એ ખબર પડતાં તો મુનિશ્રી મોહવિજયજીએ પીપરડીના વણિકોના દસ ઘરોએ પોતાને ઘેર તીર્થકર ઊતર્યા ગણ્યા.

“એક જ વચન લેવા આવ્યો છું, શેઠ ! “ મુનિશ્રીએ એકાંતે વાત ઉચ્ચારી.

“ફરમાવો !”

“સ્ટેશનનું નામ શુ રાખવાના છો ?”