પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૭
વસુંધરાના વહાલાં-દવલાં
 

સ્વર-હિલ્લોલ સરીખી, કે ભર્યાં ભર્યાં ઝાંઝવા-જળની અંદર પડછાયા દાખવતી કોણ જાણે કયા મુલકની નગરીઓ જેવી, ઝંડૂરની સ્મૃતિમાં બની રહી હતી. ફક્ત હોઠ એના ચિરાયા હતા, ને નાનાં છોકરાં ભેળો પોતે છ મહિના રહ્યો હતો ત્યાં સલામ કર્યા વિના ખાવા નહોતું જડતું, ને પોતે એક રાત્રિએ ભાગી છૂટ્યો હતો, એટલી જ યાદ અનામત હતી. તે પૂર્વેની વાતો આગલા જન્મના સ્મૃતિઝંકાર સમી કેવળ અવાસ્તવિક કલ્પનાઓ જ હતી.

એકાએક એના અંતરમાં એક ફાળ પડી. અંધી છોકરી પોતાના હોઠમાં આંગળીઓ નાખીને પોતાની કદરૂપ સિકલ તો પારખી નહિ જાય ને? એની આંખો એકાએક દેખતી થઈને મારૂં કુરૂપ જોઈ નહિ જાય ને? ગરીબોની ગયેલી આંખ પાછી નથી આવતી તેટલી પણ એને ગમ નહોતી. બુઢ્ઢો મદારી તમાશા કરતો કરતો બેસુમાર ગપાટા લોકોની સામે હાંકતો : આ જડીબુટ્ટી ખાય તો બુઢ્ઢો જુવાન બની જાય : આ મારો સોયરો આંજે તો સાઠ્ વર્ષ અંધી આંખના પણ પડળ ઉઘડી જાય: આ ભૂકી છાંટું તો બિલાડીને બાયડી કરી દઉં ને બાયડીને હડકાઈ શિયાળ બનાવી દઉં ! આ મારા ઝંડૂરિયાને જંગલનો તેતર બનાવીને ઉડાડી મૂકું વગેરે વગેરે.

આજ સુધી બુઢ્ઢાની એ વાતોનો ભય નહોતો. ઘણી વાર તો તેતર બની જવાનું ઝંડૂરને દિલ પણ થતું. પણ હવે એક જીવન-પલટો થયો. એક મમતા જાગી. હવે ડોસો તેતર-બેતર બનાવી ઓઓકશે તો આ અંધીનું શું થશે? પણ અંધીને ક્યાંક દેખતી કરી દેશે તો ? ભગવાન, હું તેતર બનું તે બહેતર છે. એ દેખતી બનશે તો મારા હોઠ ભાળી અસૂરી સાંજે ને કાળી રાતે ફાટી મરશે. ડોસો એવી કોઈ ઇલમી વનસ્પતિ વાપરે તે પહેલાં ડોસાની ગરદન જ ચીપી નાખવાનો એણે મનસૂબો કરી લીધો.

હજુ અરધી જ કલાક પર એ ગરદન ચિપાઈ હતી. એક હાલતી ચાલતી ઉદ્યમવંત આખી સ્ત્રીને ધરતી ઢેઢગરોળીની માફક આરોગી ગઈ