પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઈ તો તમે સારાં માણસ સુગાવ એટલે મેં નામ લીધાં જ નથી."

"લે હવે મૂંગી મર, બઈ! તારું કામ પતાવ, ને જા અહીંથી, માતાજી! આજ અમને ખાવું ય નહિ ભાવે."

શેઠાણીના એ શબ્દો પ્રત્યે જરાયે રોષ બતાવ્યા વગર તેજુએ મોં મલકાવ્યું. એ મોં માંથી આટલો બધો આનંદ, આટલું સુખ શે ઝરતાં હતાં? શાંતા ને સુશીલા સ્વપ્ન જોતાં હતાં. તેજુના મોંમાંથી લેશ પણ દુર્ગંધ નહોતી નીકળતી. આહાર તેવો ઓડકાર. એ કહેવતને તેજુ જૂઠી પાડતી હતી.

તેજુ જ્યારે છૂંદણાં ત્રોફી ઊઠી, અને શેઠાણી આગલા દિવસનો એક સુકાઈ ગયેલો અજીઠો રોટલો એના ખોળામાં છેટેથી પડતો મૂકવા ગયાં, ત્યારે તેજુદી બોલી ઊઠી:

"મહિ મા, રોટલો નહિ."

"તયેં?"

"દાણા આલો."

"કેમ? તૈયાર ઘડેલો રોટલો મૂકીને દાણાની કડાકૂટ કરીશ?"

"હા , મા! મારો બાપ મને પારકું ખાવા તો નથી આલતો, પણ પોતેય મને અજીઠી હોઉં તયેં અભડાવતો નથી."

"કાંઈ મરડા ! કાં....ઈ મરડ વધ્યો છે માડી આ હલકાં વરણનો"

એમ બોલતાં શેઠાણીએ સળેલા દાણા આપીને બાઈને વળાવી.

ફરીથી પાછા શેરીએ શેરીએ સાદ ઘૂમી વળ્યા : 'ત્રાજવડાં ત્રોફાવો ત્રાજવડાં...આં! એ કોઈ છૂંદણાં છૂંડાવો. કોઈ હાથે, પગે, હૈયે ને હોઠે રૂડા મોરલા ટંકાવો; મોરલા પોપટડા!'

શ્વાનના ડાઉકારાની વચ્ચે એ લાંબા લાંબા સાદનું સંગીત ગૂંથાતું ગયું. મરેલું ને મરેલું રહેનારું ગામડું તે દિવસ સજીવન બન્યું. સાંજ પડીત્યારે ગામના કૂતરાં તેજુને ખીજડા-તળાવડીની આ પાળ્ય સુધી વળાવીને પાછાં વળ્યાં.