"અમે ચોરટાં ઠર્યાં"
"ઓ મા!" શાંતા ને સુશીલાનાં શરીરોમાં ધ્રુજારી ફરી વળી. તેમણે તેજુડીની આંખોમાં તાકી તાકી જોયું. વિશ્વાસ ન આવ્યો. કેમ કરીને વિશ્વાસ બેસે? આટલી રૂપાળી અને મધુરી છોકરી ચોર શી રીતે હોઈ શકે?"
"સાચે જ?"
"માતાના સમ"
એવી વાતો વચ્ચે જ્યારે શાંતા-સુશીલાનાં ગોરાં શરીરો પર છૂંદણાંની પાંદડીઓ, ફૂલ વેલીઓ અને પંખીડાં પથરાઈ રહ્યાં હતાં, ત્યારે ગામનાં તમામ કૂતરાં અમરચંદ શેઠની ખડકી પાસે ટોળું વળીને ભસતાં હતાં. ગામના દસ પંદર જુવાનો પણ ત્યાંથી લાકડીઓ ઝુલાવતા નીકળ્યા, તેમાંથી કોઈ કોઈએ શેઠની દુકાનેથી બીડી બાકસ ખરીદવાનો પણ લહાવ લીધો.
"તમારી વાંદે કૂતરાં કેમ ભસે છે?" સુશીલાએ પૂછ્યું.
"ઈને ઘ્રાણ આવે છે."
"શાની?"
"અમારાં શરીરની ને અમારાં હૈયાંની"
શાંતા-સુશીલાનાં નક સહેજ પહોળાં થયાં. બેઉ જણીઓ જાણે કશીક ગંધ ખેંચવા પ્રયત્ન કરતી હતી. તેમને ખાતરી પણ થઈ કે તેજુનો દેહ કોઈક ન સમજી શકાય તેવી માદક સુગંધ મૂકતો હતો. આવા સફેદ દાંત તો શાંતા-સુશીલાએ અગાઉ કોઈના મોઢામાં દીઠા નહોતા.
"હેં, તમે શું ખાવ?"
"રોટલો ને લસણનો મસાલો. મળે તો ડુંગળી."
લસણ અને ડુંગળીનું નામ પડતાં શેઠાણી ઓશરીની કોર પર ઊભાં હતાં ત્યાંથી સુગાઈ ને 'એ...ખ' અવાજે થૂંક્યા. એણે છોકરીઓને કહ્યું, "રાંડું, આપણે શરાવક કે'વાઈએ. એવું પૂછાય?"
"અરે બેન્યું!" તેજુએ કહ્યું, "અમારાં તો ખાવા અખાજ જ હોય.