પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૫
વસુંધરાના વહાલાં-દવલાં
 

પીપરડી જેવાં પાંચ ગામનો ગરાસ પોતાને ઘેર બાંધી લાવત?


આજ એ ક્યાં હશે ? હશે જ શેનો ? અનાથાલયના બુઢ્ઢા સંચાલક જીવે છે કે નહિ ?- પૂછું તો ખરો.

કિશોરના શરીર પર હાથ ફેરવતાં ફેરવતાં એણે કોઈ ભક્તજનની માળાના મણકા જેવી સ્મૃતિઓના જાપ જપ્યા. પંદર વર્ષ : જોબનજોધ હોત ! કૉલેજમાં - ઇજનેરીમાં - દાક્તરીમાં-આઈ.સી.એસ.માં-ક્યાં હોત ! કાઉન્સિલના ઉપપ્રમુખની પાસે અંગ્રેજી વાતો કરવાની મને મૂંઝવણ જ શાની રહી હોત ? એને જ ગોરા પોશાકમાં સજાવીને ન મોકલત ? આંખો ફરી એક વાર ભીની બની.

કોશોર પિતાને ક્લાસની વાતો કરી રહ્યો હતો : " બાપુજી, આજે ચિતોડના રાણા સંગ ને એના ભાઈ જેમલ પૃથુરાજની વાર્તા ચાલી હતી. સંગ સૌથી મોટો- એને દેશવટો મળ્યો'તો. જેમલ ને પૃથુરાજ કેવા ક્રૂર ! સંગ જેવા મોટા ભાઈને દેશવટે કઢાવ્યો, બાપુજી ! "

બાપુજીની આંખમાંથી દડ દડ ચાર ટીપાં દડ્યાં.

" બાપુજી, એ તો ચોપડીઓની વાત. ખોટી વાત. જોડી કાઢેલી વાત. તમને રડવું કેમ આવે છે ? "

" તારો મોટોભાઈ આજે પંદર વર્ષનો..."

એટલું કહી પ્રતાપ શેઠ ઊઠ્યા. એણે ગાડી જોડાવી.

એ કપડાં પહેરતા હતા ત્યારે કિશોરની બા આવ્યાં. એણે કહ્યું : " હિસાબ ગણવામાં તમે ભૂલ કરી છે."

" શેનો હિસાબ ? "

" કિશોરે મને કહ્યું , આપણો મોટો આજે પંદરનો ક્યાંથી હોત ? બારનો હોત. કિશોરને ને એને ત્રણ વર્ષનો ફેર-ભૂલી ગયા ? "

" મારી ભૂલ થઈ ગઈ. "

" એવી ગઈ-ગુજરી યાદ કરવાનું હમણાં રહી રહીને ક્યાંથી સૂઝ્યું છે ? કિશોર મારો હેમખેમ રહે તો ઘણું છે. માદળડી નાખ્યા પછી નખમાંય રોગ રહ્યો છે ? કેવો ડિલ કાઢી રહ્યો છે ! તમે મને મૂરખી ને