પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"હા, દીકરીને સુવાણ થિયે હાલી નીકળશું."

"ક્યાં જશો?"

"મલકમાં જિયાં..." બુઢ્ઢો હસી પડ્યો.

"કેમ હસ્યા?"

"કાંઈ નહિ, બાપા! અમને તો માલેકે અવતાર જ એવો આપ્યો છે ને?"

"શીનો અવતાર?"

"શાવકારનો થોડો?"

"હા-હેં-હેં-હેં, સમજાણું." અમરચંદ શેઠને બુઢ્ઢાનો નિગૂઢાર્થ પામી જતાં વાત ન લાગી.

"અવતાર બળ્યો છે ને, બાપા!"

"કશુંય નહિ ડોસા! એવો અફસોસ રાખવો જ નહિ. એ તો ખાતો ખાય ને ભરતો ભરે."

"તમારે ગામડે પણ ઓણ સાલ કપાસ ભારી પાક્યો છે હો!" એમ કહેતાં કહેતાં બુઢ્ઢાએ ચોમેર સીમમાં પથરાયેલા ઈ સફેદ પાક તરફ લોલુપ અને લાચારીભરી નજર ઠેરવી. વસુંધરાનું એ જાણે મહાહાસ્ય હતું. એ હાસ્ય બુઢ્ઢાથી સહ્યું જાતું નહોતું.

"તમારી વિદ્યા બડી છે, હો ભાઈ !" અમરચંદ શેઠે આંખ ફાંગી કરી.

"કોઈ મૂલવનારો ન મળે ને, બાપા?"

"ના, એવું નથી, મૂલ તો મૂલવી જાણનારા પડ્યા છે. ધરતી કાંઈ વાંઝણી નથી."

"પણ કડી મળવી જોવે ને, બાપા !"

"મેળવીએ તો મળી જાય, ન કેમ મળે ?"

"તો તો ન્યાલ કરી દઈયેં હો, બાપા !"

"આપણી દુકાન જોઈ જજોને એક વાર, બીડી લેવા તો આવશો ને ?"

"ફુલેસ નહિ ટકવા આપે તો ?"