પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૫
વસુંધરાના વહાલાં-દવલાં
 

થ્યા, ને મા-દીકરાને મારીકૂટી કેદમાં પુરાવેલાં. હવે સૌ કહે છે કે તરકટ કર્યું. તળાવડીના મારગે માણસ ધોળે દી'એય માઠું નીકળે એવી ભે લાગે. બાઈનો ને છોકરાનો ક્યાંય પત્તો મળતો નથી, હશે અભાગણી પોચા કાળજાની, હું જેવી થઈ હોત તો એનો એ કામેશર કાકો જ એના પગ ધોઈ પૂજત. આટલાં બધાં તીરથ છે. પરભાશ છે, દુવારકા છે, ડાકોર છે, નાશક છે, ચારક ઠેકાણે એક એક વાર ઊંચ વરણનું ઘર માંડી આવી હોત તો જનમારો આખો બેઠી બેઠી ખાત. હતી બહુ રૂપાળી ને ચતુરાઈનો તો કે' છે પાર નહોતો. મારું લાંબું ન હાલ્યું ઈ ચતુરાઈને વાંકે જ ને ! મને વેશ તો પેરાવે કામેશર કાકો, પણ વેશ ભજવી દેવા ઈ કાંઈ થોડો આવે ? ઈ બાઈ જેવી હોય તો સરખો વેશ ભજવીને સોના રૂપાં તફડાવી આવત. પણ કોણ જાણે ક્યાં મા-દીકરો ગપત થઈ ગયાં. ધરતી જાણે ગળી જ ગઈ. ને અમારા ગામને ટીંબે એના નિશાપા રહી ગયા. હવે તો ગામલોક વિચાર કરતું'તું કે તળાવડીએ દેરીની થાપના કરીએ. બે-ચાર બાવ સાધુઓને પૂછી પણ જોયું'તું પણ ત્યાં રે'વાની કોઈએ હામ જ ન ભીડી."

"એમાં શી હામ ભીડવાની છે ? " તેજુએ કહ્યું .

" તમે કેવાં છો ? "

" સાધુ છીએ."

" માતાજી છો ? એકલાં છો ? "

" એકલી જ."

" ક્યાંય થાનક છે ? "

" ના, ગોતું છું. "

" બાળુડાં જોગણ જણાવ છો. માતાજી, મારાથી આટલું ભખ ભખ બોલાઈ ગ્યું , ને મેં તો તમને જાણ્યાં નહિ."

" પેટની વાત કરી એ કાંઈ અપરાધ છે, બોન ? "

" તમે હાલોને મારી ભેળાં. ગામલોકને જાણે કે નાણું ખરચવું નથી. મારા માથે જ ગનો ઓઢાડે છે : કે લખડી, તારો બાપ તારા પાપે