પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૭
વસુંધરાના વહાલાં-દવલાં
 


જો તરવેણીને ફરી ટોણો માર્યુઓ છે તો. મને સાબ આગળ ઊભી કરી. મારી બે મહિનાની માફી કપાણી. પણ ફાતમા તે ને તે દા'ડે રજા માથે ઊતરી ગઈ. ઊતરી તે ઊતરી, પાછી આવી જ નહિ. મારી મનની મનમાં રહી ગઈ. ફરી ન પોંચું ત્યાં લગી જીવડો જંપે નહિ. ને ક્યાઅં ઠાલો ફેરો ખાવો છે ? શિવલા ગોરનો કસબ મને તો ફાવી ગ્યો છે. એમાં ક્યાં ચોરી લબાડી કરવી છે ? ઊંચ વરણનાં ઘર અભડાવવાં કાંઈ જોખમ વિના જવાય છે ? આંહીં મજૂરી-દા'ડી મળે તેમ નથી. એકાદ હૈયાફૂટો મળી રે'શે. પરણીને ઘરમાં રાખશે તો રે'વાનો ક્યાં ના છે ? ને ન રાખે તો આપણો શો ગનો ? ઊંચ વરણ તો વટલાવ્યાં જ ભલાં. આપણને જ એ તો અભડાવે તેવાં છે."

લખડી મળી, એટલે તેજુને જીવતી તવારીખ જડી. લખડીના મોં પર એણે વર્ષાકાળના નદી-તટ પર પડી જાય છે તેવા ઊંડા ચરેરા પડેલા જોયા. આ શું એ જ લખડી, જેની ને જેના બાપના ગળાફાંસાની વાત પીપરડીનાં વાઘરાં તેજુના બાપના શબ માથે બેઠાં બેઠાં કરતા હતા ? આ એ જ ગર્ભવતી, જેના ' હરામના હમલ ' ઉપર પોલીસે કાળો કેર ગુજાર્યો હતો ! બાપના ગળાફાંસાની વાત લખડી આટલે ઠંડે કલેજે કરતી હતી ! માત્ર જાણે પોતાનો સાડલો ફાટી ગયો ન હોય ! અમરચંદ શેઠ અને કામેશ્વર મહારાજ તેજુના કૂબા ઉપર લાકડીઓ લઈ તૂટી પડનાર, એ જ શું આ વાઘરણને વેચનારા હતા ! ને છતાં લખડી પીપરડી ગામના ભાંગેલા દસકા ઉપર વલોપાત વરસાવતી હતી ! વરાળોમાંથી જ ગગન વાદળીઓ બાંધે છે. જુલમાટોમાંથી જીવન માનવતાની લાગણીઓ ઘડતું હતું. જેઠનાં દનૈયાં નથી તપતાં તો અષાઢને આરે પણ પાણી પીવા નથી મળતાં.

જાજરમાન તેજુને લખડી જોયા જ કરતી હતી. ખીજડાતળાવડીની પાળે થાનકની ' માતા ' બનીને બેસવા લાયક કેવું મોરું છે ! આને તો લોક હોંશે હોંશે માથાં નમાવશે.

' હાલોને માતા, ટાંટિયા ઢસરડવા કરતાં ગાડીમાં જ ચડી બેસીએ.