પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બાપ પોલીસ-મુખીને પોતાની દ્રવ્યચોરી છૂપાવવાની લાંચ આપતો, તો દીકરો એને પોતાની પ્રણયચોરી ઢાંકવાનું મહેનતાણું દેતો. તેજબાના બાપને તો અંદેશો જ કદી શી રીતે હોઈ શકે, કે આવો ઊજળાં લૂગડાંવાળો આબરૂદાર જુવાન પોતાની મેલીઘેલી દીકરી પર મુગ્ધ બની રહ્યો હશે ?

પ્રતાપ તરફથી મળતા તમામ રૂપિયા તેજબા બુઢ્ઢાને આપી દેતી, બુઢ્ઢાને ઉકરડા ઉપરથી એક ફાટેલું મોજું જડ્યું હતું, એ મોજું આ તમામ રૂપિયાની કોથળી બન્યું.


3

‘બાજરી ખૂટી’

આઠ-દસ મહિને બુઢ્ઢાએ એક દિવસે મોતનું બિછાનું કર્યું. બુઢ્ઢાએ કોઈને કહ્યું નહિ, પણ તેજબા કળી ગઈ. બુઢ્ઢાને આખે શરીરે મૂઢ માર પડ્યો હતો. કણબીનાં ખેતરોમાં કાલાંની ચોરી કરવાનો એ બદલો હતો.

આઠેક દિવસ સુધી ખોરડાનાં નળિયાંમાં ઠણકાર થયો નહિ તેમ કોઈ બીડી લેવા પણ ફરક્યું નહિ ત્યારે તે દિવસે અમરચંદ શેઠે ફરી એક વાર ખીજડા-તળાવડીની પાળ્યે આંટો માર્યો. નાનકડી તંબુડીની અંદર બુઢ્ઢાનું માથું હતું. બાકીનું શરીર બહાર ઉધાડા આકાશ નીચે ઓસ ઝીલતું પડ્યું હતું. આકાશને ધરતીનો ઘરબારહીન એ બાળક આકાશનાં આંસુએ ભીંજાતો હતો કે ધરતીનાં આંસુએ, એ તો ખબર નથી, પણ માનવી દુનિયાનો તો એ બહિષ્ક્રુત બેટો હતો તે વાત નક્કી હતી; કેમ કે અમરચંદ શેઠની ને એની વચ્ચે આવી જાતનો વાર્તાલાપ થયોઃ

"કાં બુઢ્ઢા, કાળી રાતે દૂધે ઝબોળેલા રૂપિયા કાઢી આપ્યા એટલે હવે ગરજ પતી ગઈ કે ? કે કોઈ બીજો વાણિયો-લુવાણો પડખે ચડી ગયો