પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેજબાને સર્પ દંશતા હતા. હમણાં જાણે ઊઠીને વાણિયાના મોંમાં ધૂળનો ખોબો ધરબી આવું ! પણ એ સમસમીને બેસી રહી.પથ્થરની શિલા પર એના હાથ દવા લઢતા રહ્યા. બંગડીઓ બોલતી રહી.

શેઠથી ન રહેવાયુંઃ " આ રૂમઝુમાટ બધા કેની કેડ્ય માથે હોય ? બીજો કોણ હૈયાફૂટો હોય ? ખેર ! હવે ભલો થઈને બુઢ્ઢા, થોડા દી જીભ સીવેલી રાખજે. તમારી તો ઠીક પણ અમારી ખાનદાની સામે જોઈને મૂંગા રે'જો. વધુ કહેવું મારાં મોંમાં શોભતું નથી. વાણિયાનો અવતાર તો ઠાકર કોઈ મહાપાપીને જ આપતો હોય છે. તમારે છે કાંઈ ? આગળ હાથ, પાછળ હાથ - "

"બાપા, છોકરીને સાચવતા રે'જો." બુઢ્ઢો વચ્ચે બોલ્યો.

"હવે બધો ઢેઢવાડો ગામમાં કાયમ જ મેલી જવો છે કે શું? ભાઈ, આમાં કોકનું મોત-કમોત કરાવશો તમે તો. કિરપા કરીને થોડા દી જીભ મોઢામાં રાખજો"

"ન બોલું બાપા, હું બે બુંદનો નથી. મને જતરડામાં ખેંચે તો ય ન બોલું. મારે કાંઇ આ નવી નવાઈની વાત નથી. મેંય મારી જુવાનીમાં ત્રણ-ત્રણ વરસની જેલ ભોગવી છે. મને રામાયણગઢમાં ઊંચે લટકાવીને હેઠ બળતું કર્યું'તું ફુલેસે, તોય મેં મારા અન્નદાતા વાણિયાનું નામ નો'તું પાડ્યું."

"ત્યારે તમે તો આગળ પણ પરાક્રમ કર્યાં છે, એમ ને ?"

"ધરમ તો સૌને માથે એક છે, બાપા ! અનંતી ધરતીને અમે ધાવનારાં. અમારે બીજો કયો ઓથ છે ? ભીંત નથી, નથી ભીંતડું."

શેઠને હસવું આવ્યું. આ પેઢાનપેઢીથી ચોરી કરનારો આડોડિયો ધરમની વાત કરે છે !

"એ વાત સાચી છે, ભાઈ!" શેઠ એકાએક કૂણા પડ્યા. એ કૂણપનું કારણ હતું. એ કારણ તેમના આ પ્રશ્નમાંથી જડે છેઃ "આંહીં ભો જેવું લાગે તો લાવો આપણે ઘેરે પટારામાં તમારી થાપણ મૂકી દઉં ?"