પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૭
વસુંધરાના વહાલાં-દવલાં
 

"આંહીં એકલી ફાટી મરશે. આપણા કૂબામાં લઈ જાશું ?"

"ઈ ચોરવણ. એનો શો ભરોસો ?"

"એને લઈ ગયે લાભ છે."

"શિયો લાભ ?"

"કસ્તૂરી મૃગ હશે તો શિકારી આવશે."

"કોણ ?"

"અમરચંદ બાપાનો પરતાપ."

"એમાં આપણે શું ?"

"મા'જનના જમણવારામાં આપણી એંઠ્ય."

"હા, ખરું કે'છે જીવણો."

"લઈ હાલો ત્યારે."

"આપણા કૂબાની ઝાંપડાના વાસની વચ્ચે એક કૂબો ચણી દેશું."

"અને ચાય તેમ તોય આપણી કોમ. ઢળતું વરણ તો છે જ ને ? એને બીજું કોઈ ઓછું સંઘરવાનું છે ?"

વાઘરાંઓએ અને ઝાંપડાઓએ તેજુબાની પાસે વાત મુકી.

તેજુએ કહ્યું: "હું હમણાં તો નહિ આવું, બે દી પછી વાત."

"એકલી રહીશ ?"

"શો ભો' છે ? "

"માડી !" વાઘરાં જતાં જતાં વાતો કરતાં હતાં: "ભૂતાવળનેય ભરખી જાય એવું રૂપ છે આ તો."

"મંતરતંતર જાણનારી જ હશે ને ?"

"એનો દેવ મેખાસુર છે. એણે સાધ્યો હોવો જ જોવે."

"ડોસો માયા સંઘરીને ગયો હશે, ઈ મેલીને નહિ આવે."