પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૩
વસુંધરાના વહાલાં-દવલાં
 

લખાવી ચાલ્યો આવ્યો છું."

"પણ તમને કોણે કહ્યું'તું?" પુત્રનું મોં ઉતરી ગયું.

"તારી જુવાનીએ."

"મારે નથી પરણવું."

" એ તો સુધરેલાની બોલી થઈ, બેટા ! તારે પરણવાનું છે, વહેવાર ચલાવવાનો છે, આવતા દીને ઉજાળવાનો છે. આપણે કાંઈ કોળી-વાઘરી ઓછા છીએ? તે પણ ઠીક, આજ સુધી ક્યાં હું બોલ્યો તો?"

"તમે નો'તા બોલતા કેમ કે તમારે કસ કાઢવો'તો." પ્રતાપ મોં ફેરવી ગયો.

"જે થવું નિર્માણ હતું તે થઈ ગયું. હવે તો વેળા વર્તવી જોવે ને, ભાઈ!"

પ્રતાપે બાપ તરફની દાઝ ઘોડીનું ચોકડું ડોંચી ડોંચીને ઉતારી.

"તું બાળક છો, તને ભાન નથી, પણ આમાંથી કામીક બીજું, ત્રીજું પરિણામ આવે તો આપણા બાર વાગી જાય. ખોરાકી-પોશાકી તો જ્યાં સુધી એક માણસની આપવાની હોય ત્યાં સુધી ભારી ન પડે. પણ જામતી ઈસ્કામતનો કોઈક વારસદર-"

"વારસદાર!" એ શબ્દે પ્રતાપની આંખ-કાનનાં પડળ ઉઘાડી નાખ્યાં. ગમાર લાગતો પિતા પ્રતાપને તે ક્ષણે કેટલો બધો શાણો ને દીર્ઘદ્રષ્ટીવાળો લાગ્યો! પોતે એ વાતનો કેમ આજ સુધી વિચાર કર્યો જ નહોતો?

"ને ભાઈ," પિતાએ ખીલો વધુને વધુ ઊંડો ઠોક્યો : "આપણા દાઈ-દુશ્મન કાંઈ ઓછા છે? તારી ચડતી કળાને કોણ સાંખી શકે છે? તારા વિવા થઈ ગયા પછી તો જગતની આમ્ખોમાં ખોબો ભરીને ધૂળ નાખતાં મને આવડે છે, પણ આજ હું લાચાર બનીને આ ઉતાવળ કરી આવેલ છું."

થોડી વારમાં પ્રતાપ ઠંડો પડેલો લાગતાં જ બાપે કહ્યું : " હું તો લીલુને પણ જોઈ આવ્યો છું. તારે કાંઈ કહેવાપણું રહે એવી કન્યા નથી