પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૩
વસુંધરાના વહાલાં-દવલાં
 

અવાજ ઊઠ્યો, લઈ લે, તારા સાચા વારસદારને સ્વીકારી લે. વાણિયાના પેટે આવો ગોરો, આવો રૂપાળો દૂધમલિયો બાળક નહિ પાકી શકે.

"એને ઇન્દ્રનગરનાં અનાથાશ્રમમાં મુકાવશું. આ બાઈની 'ક્રિમિનલ ટેન્ડન્સીથી' -ગુનાહિત પ્રકૃતિથી - એને બચાવવાની ન્યાયની ફરજ છે." એટલું કહીને ન્યાયાધિકારીએ કચેરીનું વિસર્જન કર્યું. અને આ નાનકડી પૃથ્વીમાંથી સૂર્ય અસ્તાચળે સર્યો ત્યારે એ આલીશાન રાજ્યાલયને પણ ક્ષુદ્ર માનવીઓ ખાલી કરીને પૂડલા, પેંડા અને ચાના પરાયા-પરાણે માગી લીધેલા રસાસ્વાદ તરફ ચાલી નીકળ્યા. ને એ મહેફિલમાં મુખ્ય વાર્તાલાપ આ હતોઃ 'બાઈ પણ ભારે પૅક નીકળી, ભાઈ !"

અમરચંદ શેઠની ઘોડી પાછળ વળી ત્યારે સાઠ વર્ષનું એનું કસાયેલું શરીર પશુને વધુ બોજાદાર લાગ્યું. શેઠ ઘોડીની પીઠ પર ચીભડાંની ફાંટની માફક લદાયા હતા - બેઠા નહોતા.

બ્રાહ્મણો સનાતન ધર્મની વિજય-પતાકા જેવાં ફાળિયાં ફરકાવતા પાછા ફર્યા ને ફોજદાર સાહેબે ઘોડાગાડી લઈ ગામડામાં ફેરો માર્યો.

9

સલામ કર!

ઇંદ્રનગરની જેલને દરવાજે તેજબાએ પોતાના બાળકને જેલરના હાથમાં સહેલાઈથી સોંપી દીધો એમ જોનારાઓ કહે છે, પણ જોનારાઓ જ્યાં જોઈ નથી શકતા તે આંતર-સૃષ્ટિનો એક પરમ દૃષ્ટા તો જુદી જ વાતનો સાક્ષી બન્યો. છોકરાને માએ છાતીમાંથી ઉતરડીને છૂટો કર્યો હતો. મા કે છોકરો બેમાંથી કોઈ રડ્યું નહિ, કેમ કે તેમને ખબર નહોતી કે ક્યારે રડાય-ક્યારે હસાય. તેઓ બંને ભૂલાં પડ્યાં હતાં.

અનાથાશ્રમમાં ચાર વર્ષના એ બાળકનો સંચાલકે જ્યારે કબજો