મોર ને ચકલી, ઘંટી ને ઘૂઘરા, હાથી ને સિંહ. એક જુઓ ને બીજું ભૂલો એવાં રૂપકડાં આ રમકડાં હતાં. નરોત્તમ તો મુગ્ધ ભાવે એ રંગમેળા તરફ તાકી જ રહેતો. એમાં પચરંગી પોપટલાકડી હતી. અને એક ટચૂકડી ઘોડાગાડી જોઈને તો નરોત્તમ રાજી રાજી થઈ ગયો. તરત એને બટુક યાદ આવી ગયો. આ ઘોડાગાડી વાઘણિયે મોકલી આપું તો બટુક રીઝી જાય.
એક દિવસ સ્ટેશન પર શાંતિ હતી ને કીલો પીપળાને છાંયડે રેંકડી ઊભી રાખીને આકડાનાં પાનની બીડીઓ વાળતો હતો ત્યારે નરોત્તમે જરા સંકોચ સાથે રેંકડી નજીક જઈને ઘોડાગાડી ઉપાડી. કારીગરે આ રમકડું આબેહૂબ ઘોડાગાડી જેવું જ બનાવેલું.
ઘોડાગાડીના રૂપરંગ ને ઘાટ અવલોકી રહ્યા પછી નરોત્તમે એની કિંમત પૂછવાનું વિચાર્યું, પણ પૂછતાં સંકોચ અનુભવી રહ્યો.
બીડીની ભૂંગળી વાળીને માથે રાતો દોરો વીંટતો કીલો આ ગ્રાહકને કાતર નજરે અવલોકી રહ્યો.
નરોત્તમે અચકાતાં પૂછ્યું: ‘આ ઘોડાગાડીનું શું બેસશે ?’
‘સાવ સસ્તી છે; લઈ જાવ…’
‘સસ્તી તોય કેટલામાં ?’
‘અરે લઈ જાવ ને તમતમારે, તમને કાંઈ લૂંટી નહીં લઉં,’ કીલાએ કહ્યું.
‘પણ તમે નામ તો પાડો–’ નરોત્તમે ગાડીનો ભાવ જાણવા પૂછ્યું.
‘બજારમાં પૂછશો તો રૂપિયો દોઢ કહેશે. પણ તમારી પાસેથી મારે કમાવું નથી. લઈ જાવ રૂપિયે—’
સાંભળીને નરોત્તમે ખિસ્સામાં હાથ નાખ્યો. ઘડીક વાર વિચારી રહ્યો. પછી હળવેક રહીને, ઘોડાગાડી જ્યાંથી ઉપાડી હતી ત્યાં પાછી ગોઠવી દીધી ને ભારે પગલે પાછો વળવા જતો હતો ત્યાં જ કીલાએ હાક મારી: