લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

હો !’ પસાયતાએ ચૌદમું રતન બતાવતાં કહ્યું, ‘સીધો થઈને કોથળી સોંપી દઈશ તો સારો માણસ ગણીને પોલીસ-કેસ થવા નહીં દઈએ.’

‘પણ કઈ કોથળી ?’

‘મારો બેટો હજી સતનું પૂતળું થાવા જાય છે !’ કહીને એક પસાયતાએ ઓતમચંદના વાંસામાં સબોસબ લાકડી ફટકારવા માંડી. બીજા પસાયતાએ ગડદાપાટું શરૂ કર્યાં. એક જોરદાર ગડદો આવ્યો ને પેડુ ઉપર પાટુ પડતાં જ ભૂખ્યા ને થાકેલા ઓતમચંદના મોંમાંથી ઓયકારો નીકળી ગયો.

‘ઓલ્યો બાલુભાઈ તને સાજાની માણસ ગણીને ખાણિયાની પાળે કોથળી મેલી ગયો ને તેં એને બાપાનો માલ ગણીને બગલમાં મારી !’

‘હું અડ્યો હોઉં તો મારા સગા દીક૨ાના સમ !’ ઓતમચંદ ધ્રૂજતાં ધ્રૂજતાં તૂટક તૂટક અવાજે કહ્યું. અને તુરત એને સાત ખોટનો બટુક યાદ આવી ગયો. અને મનમાં ને મનમાં એણે પુત્રના ક્ષેમકુશળ માટે પ્રાર્થના કરી.

‘સગા દીકરાના સમ ખાવાવાળી ! અમને આવું વાણિયાસાસ્તર ભણાવવા બેઠો છો ?’ પસાયતાએ ગુસ્સે થઈને સીસાની કડીઆળી ડાંગ ઓતમચંદને ફટકારી.

આ વખતે તો ઓયકારો કરવાની પણ ઓતમચંદને સૂધસાન ન રહી. એ ડોળા તારવી ગયો.

પસાયતાઓ તો હજી પણ ગાળભેળ ને પ્રહારો સાથે પ્રશ્નો પૂછતા જતા હતા:

‘નદીમાં કયે ઠેકાણે કોથળી દાટી છે ? બોલ, નીકર ચીરીને મીઠું ભરી દઈશું.’

આરોપી આંખ મીંચી જઈને ઢોંગ કરે છે એમ સમજીને પસાયતાઓએ વધારે પ્રહારો સાથે પૂછવા માંડ્યું:

‘મુદ્દામાલની ભાળ દઈ દે, નીક૨ જીવતો ભોંયમાં ભંડારી દઈશું.’

૧૪૬
વેળા વેળાની છાંયડી