‘એનું નામ હરણ… …’ કાકાએ સાવ સરળ જવાબ આપ્યો.
ગાડીની અંદર કાકો-ભત્રીજો આવી ગોષ્ઠી કરી રહ્યા હતા ત્યારે આગલી બેઠક પર ગાડી હાંકનાર વશરામે ગેલમાં આવી જઈને પોતાને મનગમતા નાટકના ગીતની લીટી છેડી હતી:
સુણો દિલ્લી તખત ધરનાર
ક્ષત્રી કલંક કેમ લેશે રે…
મારે ઘેર છે પતિવ્રતા નાર,
ક્ષત્રી કલંક કેમ લેશે રે…
‘કાકા, મારે ગાડી હાંકવી છે,’ કિશોરે રઢ લીધી.
‘ગાડી ન હંકાય, પડી જવાય.’
‘ના, ન પડાય. મારે ગાડી હાંકવી છે,’ રુદનનો અભિનય કરીને કિશોરે આગ્રહ કર્યો.
વશરામે પોતાના પ્રિય ગીતની લીટી અધૂરી મેલીને કહ્યું: ‘નાના શેઠ, બટુકભાઈને રોવરાવો મા. ભલે મારા ખોળામાં બેસે. ઘડીક લગામ ઝાલશે તો એનું વેન ભાંગશે.’
ગાડી ઘડીક વાર ઊભી રહી. વશરામે પાછળ ફરીને બટુકને તેડી લીધો અને ‘હાલો, ગાડી હાંકો, બટુકભાઈ !’ કરતોકને એને પ્રેમપૂર્વક પોતાના ખોળામાં બેસાડી દીધો.
બટુક રાજી રાજી થઈ ગયો. એના ટચૂકડા હાથમાં વશરામે ઘોડાની લગામ પકડાવી–બલકે પકડાવી હોવાનો દેખાવ કર્યો. અને ફરી ગાડી અમરગઢ સ્ટેશનને મારગે મારમાર કરતી ઊપડી.
ધૂળિયા રસ્તા પર પડતા ઘોડાના ડાબલાના પેલા તબડક તબડક અવાજ અને ડોકે બાંધેલ ઘૂઘરાના ઘેરા રણકાર સાંભળીને મારગના કાંઠા પરનાં ખેતરમાં કામ કરતા ખેડૂતો ઘડીભર કામકાજ છોડીને શેઢે આવી ઊભા રહેતા અને આ રજવાડી વાહન જોઈને ક્ષણભર આનંદ, આશ્ચર્ય અને અહોભાવ અનુભવી રહેતા. કાઠિયાવાડની ધરતી