પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જેમ વણાઈ ગયાં છે ?… આટલા લાંબા સહવાસ પછી પણ નરોત્તમને અત્યારે આ સાથીદાર સાવ અજાણ્યો-અપરિચિત લાગવા માંડ્યો.

બંને ભાઈબંધો શક્ય તેટલી ઉતાવળ કરીને ઉપાશ્રયે પહોંચ્યા છતાં જરા મોડા પડ્યા હતા. એટલી વહેલી સવારમાં પણ વ્યાખ્યાનગૃહ શ્રોતાઓ વડે ભરચક્ક થઈ ગયું હતું. પ્રવેશદ્વાર પાસે પગરખાંનો ખાસ્સો ગંજ ખડકાયો હતો એ જોઈને કીલાએ નરોત્તમને કહ્યું:

‘આપણા નસીબમાં ખાસડાં જ લખ્યાં લાગે છે ?’

સાંભળીને સંતપ્ત નરોત્તમે ખિન્ન હાસ્ય વેર્યું તેથી કીલાએ પોતાના કથનને જુદો જ વળાંક આપ્યો:

‘આવાં મોટાં મહાજનનાં પગરખાંય ક્યાંથી !— આવાં પગરખાંની રજને માથે ચડાવીએ તોયે પાવન થઈ જાઈએ, સમજ્યો ને મોટા ?’

અને પછી, ભારોભાર કટાક્ષ ભરેલી આ વ્યંગોક્તિ બદલ ઉઘાડપગે કીલો ઉપાનના ગંજ સામે નજર કરીને ફિલસૂફ સમું હાસ્ય વેરી રહ્યો.

‘આમાં મીઠીબાઈસ્વામી કોણ ?’ નરોત્તમે પૂછ્યું.

‘ઓળખ્યાં નહીં ? જો, પણે આઘે આઘે ઓલ્યાં પાટ ઉપર બેસીને પોથી વાંચે છે એ જ !— વચોવચ બેઠાં એ… અડખેપડખે બીજાં આરજા બેઠાં છે — એટલું કહીને કીલો ફરી પાછો આ સાધ્વીનાં ગુણગાન ગાવા માંડ્યો: ‘બીજાં બધાં આરજા ભલે ગમે એવાં રહ્યાં —

સંસારત્યાગી સાધુને આપણે પગે લાગીએ—પણ મીઠીબાઈની તોલે કોઈ આવે નહીં. જોતો નથી, ધરમનાં વેણ બોલે છે ને મોઢામાંથી ફૂલડાં ઝરે છે, ફૂલડાં !

નરોત્તમે નજ૨ કરી તો ક્યાંય પૃષ્પો તો ન દેખાયાં પણ પીઠ વાળીને બેઠેલા શ્રોતાવૃંદની મોટી મોટી પાઘડીઓ તરવરી રહી.

કામદાર નહીં, કાંગસીવાળો
૧૯૯