‘અરે ! તમે ?… તમે ?’
‘હા,’ એટલો જ એકાક્ષરી ઉત્તર આપીને નરોત્તમે મોં ફેરવી લીધું અને વધારે ઝડપે મનસુખભાઈની પાછળ પાછળ ચાલવા માંડ્યું. હવે તો આમેય ધીમી ચાલ ધરાવનાર ચંપાએ આ યુવાનને ઠપકો આપવા તેની પાછળ દોડ્યા વિના છૂટકો જ નહોતો. એ ઉતાવળે ઉતાવળે બોલવા લાગી :
‘અરે !… આ શું પણ ?… આ તમને શું સૂઝ્યું ?’
‘સંજોગે સુઝાડ્યું’ એટલું જ કહીને મજૂર તો આગળ વધ્યો.
‘મેલી દિયો સામાન !… ફેંકી દિયો સામાન !… આ તમને શોભે ? પાછળથી અવાજ આવ્યો.
આગળથી ઉત્તર અપાયો: ‘સંધુંય શોભે.’
પાછળથી ફરિયાદ થઈ: ‘અરે, પણ તમે તો મારા—’
‘હવે કાંઈ નહીં,’ ફરિયાદ અરધેથી જ કપાઈ ગઈ એ સારું થયું. નહીંતર, ‘તમે તો મારા—’ પછી સગપણનો કયો શબ્દ બોલવો એની મૂંઝવણ એ યુવતીને જ થઈ પડી હોત.
વળી થોડી વારે એણે આજીજી કરી: ‘કહું છું કે પેટી ઉતારી નાખો—આ તમને નથી શોભતું… હું લાજી મરું છું.’
આ વખતે તો યુવાન જ થોભ્યો અને પાછળ જોઈને જવાબ આપ્યો:
‘તમારે શું કામ લાજવું પડે ભલા ? હવે મારે ને તમારે શું સંબંધ રહ્યો છે ?’
‘કાંઈ સંબંધ નથી રહ્યો ?’
‘હતો ત્યારે હતો. હવે તો… હવે તો તમે—’
‘હવે હું તમારી કાંઈ નથી રહી ?’ ચંપાએ સીધો જ પ્રશ્ન પૂછ્યો.
‘મારાથી કેમ કહેવાય ? વહેવારને નાતે તો—’
‘વહેવાર પડ્યો ચૂલામાં… તમારી માલીપાનું મન શું કહે છે ?’