પણ ઊતર્યાં હશે, જે ધીમી ચાલે આ મજૂરની પાછળ ચાલ્યાં આવે છે. મનસુખભાઈ વારંવાર પાછળ જોઈને ખાતરી કરી લે છે કે ઉપડામણિયો તેમજ પોતાની અર્ધાંગના બંને, પાછળ પોતાને પગલે પગલે આવી રહ્યાં છે.
નરોત્તમને લાગ્યું કે રખે ને આ અજાણ્યો મજૂર સરસામાન સાથે રફુચક્કર થઈ જાય એવા ભયથી શેઠનાં ઘરવાળાં હેતુપૂર્વક પાછળ જ રહ્યાં છે. એટલું વળી સારું છે કે આ લોકો મને દીઠ્યે ઓળખતાં નથી, નહીંતર તો અત્યારે કીલાભાઈએ મારી આબરૂના કાંકરા જ કરાવી નાખ્યા હોત.
નરોત્તમના માથા ઉપર સરસામાનનો બોજો તો હતો જ. એમાં વળી આવા વિચારોનો વધારાનો બોજો ઉમેરાતાં એની ધીમી ચાલ વધારે ધીમી પડી.
મનસુખભાઈએ પાછળ જોઈને આ મજૂરની ધીમી ચાલ અંગે ફરિયાદ કરી:
‘કીલાએ પણ ઠીક આવું ઠોબારું વળગાડી દીધું છે ! પછી મોટેથી આદેશ આપ્યો, ‘એલા ભાઈ, આમ રૂપિયે ગજને હિસાબે હાલીશ તો અમને ઘેર પહોંચતાં જ સાંજ પડી જશે.’
અને પછી, મજૂરની પાછળ પાછળ આવતી યુવતીને સૂચના આપી: ‘ચંપા, જરાક પગ ઉપાડ, બહેન ! તારી મામી વાટ જોતાં હશે.’
આ સૂચના સાંભળીને ચંપાના પગ વધારે ઝડપથી ઊપડ્યા કે કેમ એ તો પોતે જ જાણે, પણ નરોત્તમના પગ તો ક્ષણવાર થંભી ગયા.
એણે કુતૂહલથી પાછળ જોયું અને ચંપાની ચાલ પણ થંભી ગઈ, ક્ષણાર્ધમાં ચાર આંખ મળી ગઈ અને ચંપાના મોઢામાંથી શબ્દ સરી પડ્યા: