લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પણ એક જ પાણીઆરાના ગોળાનું પાણી પીધું છે ને !… મોટા ભાઈ કરતાં નાનો ભાઈ પોણી સોળ ઊતરે નહીં—’

ગામલોકોને અનુમાનોની અધ્યારી કરતાં મેલીને ઓતમચંદે જ જરા વહેલી વહેલી દુકાન વધાવી. ઉપરને બારસાખે અને નીચેને ઉંબરે એમ બબ્બે સાંકળ વાસીને ઉપર તાળાં દીધાં પછી આજીવિકાના સાધન સમ આ સ્થળને ત્રણ વાર મૂક વંદના કરીને એ ઘર ભણી વળતો હતો ત્યાં તો સામેથી ટીકી ટીકીને અવલોકી રહેલા ભૂધરભાઈએ ટકોર કરી:

‘તાળાં સારી પેઠ ખેંચીને ખખડાવી લેજે, ઓતમચંદભાઈ !’

વેપારીની આવી દાઢાવાણી જેવી જબાન સમજતાં ઓતમચંદને વાર ન લાગી. જવાબમાં એણે મૂંગુ, મધુર હાસ્ય વેર્યું, પછી જતાં એ સ્વગતોક્તિ જેવો ઉત્તર આપતો ગયો:

‘હજાર તાળાંકૂંચીએ બાંધી રાખશું તોય જેના નસીબનું હશે એને જ પહોંચવાનું છે, દાણેદાણા ઉપર એનાં ખાનારાંનાં નામ લખ્યાં છે―’

આટલું કહીને ઓતમચંદે અંગરખાની અંદરના કબજામાંના છૂપા ખિસ્સા પર હાથ દબાવીને ખાતરી કરી જ લીધી કે પોતે સાચવીને મુકેલું જોખમ સહીસલામત છે.

ગામલોકો આ ‘મન્યાડર’ના સમાચાર સાંભળીને હેબતાઈ ગયાં’તાં ત્યારે ઓતમચંદ તો જાણે કે કશું જ બન્યું નથી એવી સ્વસ્થતા ધારણ્ કરીને ઘર સુધી પહોંચ્યો. રોજની આદત મુજબ એણે ઊંચે જોયું ઓસરીની કોર ઉપર થાંભલીને અઢેલીને લાડકોર ઊભી હતી. ઓતમચંદે આજે વધારે સભાનપણે પત્ની તરફ ધારી ધારીને જોયું, તો લાડકોરની મુખરેખાઓમાં ખાસ કોઈ પલટો દેખાયો નહીં, પણ એની હસું હસું થઈ રહેલ આંખો થોડી અછતી રહે એમ હતી ?’

પ્રૌઢી ધારણ કર્યા પછી આ દંપતીએ મજાકમશ્કરી તો ક્યારનાં છોડી દીધાં હતાં, પણ આજે લાડકોરથી ન રહેવાયું. ઓસરીનાં

ઉષાની રંગોળી
૨૪૭