પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘અમારે ગરીબ માણસને એવા શોખ ન પોસાય—’

‘તમે ગરીબ માણસ છો ? મનસુખભાઈની શેઠાણી ગરીબ કહેવાય ? વિલાયતી પેઢીના મુનીમ ! અપાસરાના અગ્રેસર !―ધરમના થાંભલા ! મનસુખભાઈ એટલે તો મહાજનના મોવડી ! મોટા ભા !’

મનસુખભાઈને બિરદાવતાં બિરદાવતાં કીલો એકાએક થંભી ગયો. અંદરના ઓરડામાં એક વ્યક્તિની હરફરનો ઓછાયો દેખાતાં એણે પૂછ્યું:

‘કોઈ મહેમાન આવ્યાં છે ?’

‘હા, મેંગણીથી ભાણેજ આવી છે—ચંપા.’

‘બહુ સારું, બહુ સારું !’ કહીને કીલાએ સાવ સાહજિક ઢબે પૂછી નાખ્યું: ‘મામાને ઘેર ફરવા આવ્યાં હશે !’

‘આવ્યાં છે તો કામે, પણ કામ પાર પડે એમ લાગતું નથી―’

જાણે કશું સાંભળ્યું જ નથી એવી સ્વસ્થતાથી કીલાએ વધારે પૃચ્છા કરી: ‘કિયે ગામ પરણાવ્યાં છે ભાણીબેનને ?’ આટલી વારમાં કીલાએ અજાણી વ્યક્તિને ‘ભાણીબેન’ પણ કહી દીધી.

જવાબમાં ધીરજે કૃત્રિમ નિસાસો મૂક્યો: ‘અરે કરમમાં અંતરાય ન આવ્યા હોત તો આજે બિચારાં પરણી-પષટીને બેસી ગયાં હોત—’

‘પણ શું ? કાંઈ વિઘન આવ્યું ?’

‘વિઘન તો એવું છે કે કહેવાય નહીં ને સહેવાય પણ નહીં—’

ધીરજનું આ વાક્ય સાંભળીને બે વ્યક્તિઓની જિજ્ઞાસા જાગ્રત થઈ. પોતાને વિશે શી વાત થઈ રહી છે એ જાણવા ચંપા અંદરના ઓરડાનાં કમાડની આડશે લપાઈને ઊભી રહી. અને નરોત્તમની એક વેળાની વાગ્દત્તાનું જીવન વહેણ ક્યાં સુધી પહોંચ્યું છે એનો તાગ લેવા કીલો ઉત્સુક બની રહ્યો.

અને પછી તો કીલો અસાધારણ કૌશલથી ધીરજને વાર્તાલાપમાં તાણી ગયો. પોતાને આ પ્રશ્ન સાથે કશી જ નિસ્બત નથી એવો

ચંપાનો વર
૨૬૧