આ દૃશ્ય ગમ્યું. પોતે મેંગણીથી નીકળતી વેળા ઉંમરલાયક પુત્રીને ઠેકાણે પાડવાની જે લાંબા ગાળાની યોજના પતિ સાથે મળીને વિચારી રાખેલી એ યોજનાના અમલનો જ મંગલ આરંભ થતો જણાયો. પણ તુરત એમના રૂઢિગ્રસ્ત માનસમાં ઊંડે ઊંડે પડેલા વાણી, વહેવા૨ અને વર્તન અંગેના પરંપરાગત ખ્યાલો સળવળી ઊઠ્યા.
સંતોકબાને અત્યારે ઉધ૨સ નહોતી આવતી છતાં એમણે પરાણે—પ્રયત્નપૂર્વક–કૃત્રિમ ખોંખારો ખાધો અને નરોત્તમની આંખમાં આંખ પરોવીને બેઠેલી પુત્રીને જાગ્રત કરી.
શરમાળ ચંપાએ તુરત નરોત્તમની સામેથી દૃષ્ટિ વાળી લીધી અને તારામૈત્રક ત્યાં જ તૂટી ગયું.
ચંપાએ શરમાતાં શરમાતાં સંતોકબા સામે જોયું તો માતાની કૃત્રિમ ક્રોધમિશ્રિત નજ૨માં ઠપકો ભર્યો હતો કે સંમતિ હતી એ આ બાળીભોળી યુવતીને બરાબર સમજાયું નહીં.
ચંપા કરતાં ઉંમરમાં નાની પણ લુચ્ચાઈમાં બહુ આગળ નીકળી ગયેલી નટખટ જસી ક્યા૨ની ઝીણી નજરે મૂંગી મૂંગી મોટી બહેનનું વર્તન અવલોકી રહી હતી.
તારામૈત્રક તૂટ્યા પછી ચંપાએ નાની બહેન સામે જોયું ત્યારે આવી બાબતોમાં વધારે પડતી જાણકારી ધરાવના૨ જસી આંખો નચાવતી નચાવતી ચંપા સામે તાકી જ રહી. એની ચંચળ આખો ચંપા પર મૂંગું તહોમત મૂકી રહી હતી. જાણે કે કહેતી ન હોય: ‘મેં તમને પકડી પાડ્યાં છે ! મારાથી કાંઈ અજાણ્યું નથી હો !’ અને તુરત જસીએ મોટી બહેનને જાણે કે એના ગુનાની સજા ફટકારતી હોય એમ છૂપી રીતે ચંપાના સાથળમાં હળવેકથી ચૂંટી ખણી.
નરોત્તમ સિવાય કોઈને એ ખબર ન પડી.
સહુની હાજરીમાં ચંપા ચીસ તો પાડી શકે એમ નહોતી પણ મૂંગી ફિલમના દૃશ્યની જેમ એણે ઓઠ ઉઘાડીને અવાજ ન થાય