મનસુખભાઈ થોડી વાર વિચારમાં પડી ગયા. પછી ધીમે અવાજે સૂચન કર્યું: ‘એમ કરીએ…’
‘શું ? ફરમાવો !’
‘કે આ પાંચ રૂપિયા હમણાં તમારી પાસે જ મૂકતો જઉં. તમને એ માણસ ક્યાંક ભેગો થઈ જાય તો મારા વતી આપી દેજો.’
‘અરે, હું ક્યાં આવી પારકી થાપણ સાચવું !’
‘પાંચ રૂપિયામાં વળી કઈ મોટી થાપણ થઈ ગઈ !’ મનસુખભાઈએ કહ્યું.
‘પણ આ કીલો રહ્યો રંગીભંગી માણસ. મારા હાથમાં પૈસા રહે કે ન રહે તો—’
‘હવે રાખો, રાખો, બહુ કરી તમે તો કીલાભાઈ !’ કહીને મનસુખભાઈએ માર્મિક ટકોર કરી. ‘જાણે હું તમને ઓળખતો જ ન હોઉં.’
કીલો શરમાઈ ગયો. પોતાની સાચી ઓળખાણની ધમકી આગળ એના હાથ હેઠા પડ્યા. બોલ્યો:
‘ઠીક લ્યો, તમે રાજી થાવ એમ કરો.’
‘રાજી તો ઓલ્યા ઉપડામણિયાને કરવાનો છે. ને તો જ અમારે ઘરમાં સહુ રાજી થાય એમ છે. તમે એને ગમે ત્યાંથી પણ ગોતી કાઢજો !—’
‘ભલે. ઘરવાળાં રાજી તો ભગવાન રાજી.’
‘તમે જરાક મારા વતી મહેનત કરીને એ માણસને ગોતી કાઢજો, સમજ્યા ?’
‘ભલે, ભલે. આ કીલાને એમાં કહેવું ન પડે–’
મનસુખલાલભાઈએ કીલાના હાથમાં રૂપિયા મૂકીને પૂછ્યું: ‘હવે રજા લઉં ?’
‘ખુશીથી.’